ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું ખાસ મહત્ત્વ

લોગવિચાર :

પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવાં પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજા અર્ચના અને દર્શન કરવા મધ્યરાત્રીથી ભક્તોની કતારો લાગી હતી. દુધિયા તળાવથી નિજ મંદિર સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારે 4 વાગ્યે નિજ મંદિરના દ્વાર દર્શનાથે ખુલ્લા મુકાતા જય માતાજીના જય ઘોષ સાથે ડુંગર ગૂંજી ઉઠ્યો હતો. માઇ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનૂભવી હતી.

પાવગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી નિજ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંગળા આરતી સાથે મહાકાળી માતાના જયકારા વચ્ચે માઇ ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. હાલ ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શન અર્થે પાવાગઢ આવી રહ્યા છે. ત્યારે આજે પ્રથમ નોરતે 1 લાખ ઉપરાંત માઇ ભક્તોનું કીડિયારું પાવાગઢ ડુંગર ખાતે ઉભરાઈ આવ્યું હતું.

ચૈત્રી નવરાત્રી મા શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું ખાસ મહત્ત્વ રહેલું હોવાથી આ દિવસે અનેક સંઘો પગપાળા માતાજીના દર્શને પાવાગઢ ખાતે પહોંચતા હોય છે. માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શન કરવા ગત મોડી રાત્રીથી જ પાવાગઢ માચી મંદિર ચોક અને ડુંગર ઉપર ભક્તોનો ધસારો પહોંચી ગયો હતો. વહેલી સવારે માઈભક્તોએ મંદિર તરફ પ્રસ્થાન કરતા દુધિયા તળાવ પગથિયાંથી મંદિર સુધીનો માર્ગ ભક્તોની ભીડથી ઉભરાઈ ગયો હતો. સાથે તંત્ર દ્વારા પણ માઇ ભક્તોની સુરક્ષા માટે પાવાગઢ તળેટીથી નિજ મંદિર પરિસદ સુધી 700થી વધુ પોલીસ કર્મચારી તહેનાત કરવા સાથે 70થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવા માં આવ્યા છે. જયારે એસટી વિભાગ દ્ધારા પણ ખાસ બસો ની સુવિધા ઉભી કરવામાં આવી છે.