શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ચૂકવણી થશે : સોમવારથી નોંધણી પ્રક્રિયા
લોગ વિચાર :
શિક્ષણ વિભાગ દ્વારા નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના અમલમાં મુકવામાં આવ્યા બાદ હવે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તાની ચૂકવણી માટેનો નિર્ણય લેવામાં આવેલ છે.
રાજયના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ બંને યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂા.85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 27 જૂનના રોજથી પ્રવેશોત્સવ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્રથમ દિવસે જ હપ્તાની ચૂકવણીનું આયોજન કરાયું છે. આ માટે સોમવારથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત રાજયની 10 લાખ વિદ્યાર્થીનીઓ અને ધોરણ 11-12 સાયન્સનાં 2.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને 27 જૂનના રોજ પ્રથમ હપ્તાના રૂા.85 કરોડની ચુકવણી કરવામાં આવશે.27 જૂનના રોજ પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે તેના પ્રથમ દિવસે જ બંને યોજનાના પ્રથમ હપ્તાની ચુકવણી પણ કરી દેવાશે. શુક્રવારના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયા બાદ શિક્ષણ સચીવ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાની સુચના આપવામાં આવી છે. પ્રથમ હપ્તાની ચુકવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. જેમાં સ્કોલરશીપ માટેનું પોર્ટલ તૈયાર કરી દેવાયુ છે.
જેના માટે સોમવારથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન વર્ગ શિક્ષક દ્વારા કરવામાં આવશે. આમ, પ્રવેશોત્સવ શરૂ થાય તે દિવસ તમામ વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તાની રકમ મળી રહે તે માટે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને તેમાં પણ ક્ધયાઓ ધોરણ-12 સુધીનું શિક્ષણ મેળવે એ હેતુથી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજના જાહેર કરાઈ છે. ‘નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત ધોરણ-9થી12માં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ચાર વર્ષના અભ્યાસક્રમ દરમિયાન રૂા.50 હજારની સહાય ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે.
જેમાં ધોરણ-9 અને 10માં રૂા.10-10 હજાર અને ધોરણ-11 અને 12માં રૂા.15-15 હજારની સહાય ચુકવાશે. આ વિદ્યાર્થીનીઓને પ્રથમ હપ્તા પેટે રૂા.66 કરોડની ચુકવણી કરવામાં આવશે. આ સિવાય નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અંતર્ગત ધોરણ-11 અને 12માં અભ્યાસ કરતાં ગુજરાત બોર્ડ અને સીબીએસઈ સંલગ્ન સ્કુલોના વિદ્યાર્થીઓને ધોરણ-11 માટે રૂા.10 હજાર અને ધોરણ-12 માટે રૂા.15 હજાર સહાય ચુકવાશે. નમો સરસ્વતી યોજનામાં અઢી લાખ વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તા પેટે રૂા.19 કરોડ ચુકવવામાં આવશે.