નંદીની સૌથી યુવા C.A. : માત્ર 19 વર્ષે અદભુત C.A. બની ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસમાં નોંધણી કરાવી

લોગ વિચાર :

મધ્યપ્રદેશની નંદિની અગ્રવાલ ભારતની જ નહીં વિશ્વની સૌથી યુવા મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) બની છે. તેની ઉંમર છે માત્ર 19 વર્ષ. આ પ્રતિભાશાળી છોકરીએ નાની ઉંમરમાં બહુ મોટી સિધ્ધિ મેળવી લીધી છે.

નંદીનીએ 10મું ધોરણ 13 વર્ષની ઉંમરે અને 12મુ ધોરણ 15 વર્ષની ઉંમરે પાસ કર્યુ હતું. 19 વર્ષની ઉંમરે તેણે સી.એ. ટોપ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં નામ નોંધાવ્યું હતું.

નંદિની મધ્યપ્રદેશના મોરેના નામના નાનકડા શહેરમાંથી આવે છે જેણે નવેમ્બર 2021માં 19 વર્ષ, 8 મહિના અને 18 દિવસની ઉંમરે દેશના 83,000 ઉમેદવારોને પાછળ છોડીને સી.એ.ની પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો.

નંદિની 11માં ધોરણમાં ભણતી હતી ત્યારે એક ગિનેસ વર્લ્ડ રેકોર્ડ વિજેતા તેની સ્કુલમાં આવ્યો હતો અને ત્યારથી જ તેણે સી.એ. પરીક્ષા આપીને રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય નકકી કર્યુ હતું.

12 ધોરણ બાદ તેને એપ્રેન્ટિસશીપ મેળવવા માટે બહુ મહેનત કરવી પડી, કેમ કે કોઇ કંપની તેને 16 વર્ષની ઉંમરે હાયર કરવા માંગતી નહોતી. તેના પિતા ટેકસ પ્રેકટીશનર અને માતા ગૃહિણી છે. રસપ્રદ વાત એ છે કે નંદિની અને તેના 21 વર્ષના ભાઇએ 2017માં સાથે જ 12મું ધોરણ પાસ કર્યુ હતું કેમ કે નંદિનીએ શાળામાં બે ધોરણ આગળ અભ્યાસ કર્યો હતો.