લોગવિચાર :
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે, ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ચેન્નઈ), BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન અને ઉત્પાદન કરી રહી છે. આ ટ્રેનની સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક હશે.
વંદે ભારત ટ્રેનની સફળતા બાદ હવે હાઈ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદો સુધીર ગુપ્તા અને અનંત નાયક દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે, આ રેલવેના નિર્માણનો ખર્ચ (ટેક્સ સિવાય) લગભગ 28 કરોડ રૂપિયા છે. આ હાઇ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઇન અને ઉત્પાદન એક જટિલ અને ટેકનોલોજી-સઘન પ્રક્રિયા છે.
તેમણે મુખ્ય ટેકનિકલ પાસાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, હાઇ સ્પીડ માટે ઇલેક્ટ્રિકને અલગથી ડિઝાઇન અને બનાવવામાં આવી છે. ટ્રેન સેટના લોડ ઑપ્ટિમાઇઝેશન અને ટ્રેનોના હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે, કોચની અંદર શ્રેષ્ઠ સ્થિતિ, સીસીટીવી, મોબાઇલ ચાર્જિંગ સુવિધાઓ, શ્રેષ્ઠ લાઇટિંગ અને ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ રહેશે.
ગર્ડર લોંચીંગનું કામ પૂર્ણ
રેલવે મંત્રીએ જાપાનની તકનીકી અને નાણાકીય સહાય સાથે અમલીકરણ હેઠળના મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર અપડેટ પણ શેર કર્યું. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 336 કિમી પિઅર ફાઉન્ડેશન, 331 કિમી પિઅર ક્ધસ્ટ્રક્શન, 260 કિમી ગર્ડર કાસ્ટિંગ અને 225 કિમી ગર્ડર લોંચિંગનું કામ પૂર્ણ થયું છે.
તેમણે કહ્યું કે, અંડરસી ટનલ (લગભગ 21 કિલોમીટર)નું કામ પણ શરૂ થઈ ગયું છે. 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીમાં 12 સ્ટેશન હશે. આ માટે જરૂરી સમગ્ર જમીન (1,389.5 હેક્ટર) સંપાદિત કરવામાં આવી છે.