ખાદ્ય ચીજવસ્તુઓની 'એક્સપાયરી ડેટ'નો નવો નિયમ : વહેલા બગડતી વસ્તુઓ મોકલી શકે નહીં

લોગવિચાર :

ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ અનેક ફરિયાદ થયા બાદ ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (FSSAI)એ ‘વહેલા વાસી થતા ખાદ્ય ખોરાકો'ને લઈ નવો નિયમ જાહેર કર્યો છે. FSSAIના નિર્દેશ મુજબ, ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વહેલા ખરાબ થઈ જતા ખાદ્ય પદાર્થો નહીં મોકલી શકે.

અનેક ફરિયાદો મળ્‍યા બાદ એફએસએસએઆઈએ ખાદ્ય પદાર્થોની ‘એક્‍સપાયરી ડેટ' નિર્ધારિત કરી છે. ઓથોરિટીએ ઈ-કોમર્સ કંપનીઓને કહ્યું છે કે, ‘તેઓએ એવી ખાદ્ય ચીજોની સપ્‍લાય ન કરવી જોઈએ જેની એક્‍સપાયરી ડેટ નજીક હોય. ગ્રાહકોને ડિલિવરી થતા ખાદ્ય પદાર્થોની એક્‍સપાયરી ડેટ ઓછામાં ઓછી ૪૫ દિવસની હોવી જોઈએ. આ ઉપરાંત જો કોઈ ખાદ્ય પદાર્થ વહેલા ખરાબ થઈ જતા હોય તો, તેની શેલ્‍ફ લાઈફ ઓછામાં ઓછી ૩૦ ટકા હોવી જોઈએ.

ખાદ્ય પદાર્થોની ઑનલાઈન ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ FSSAIને સતત ફરિયાદ મળતી હતી, જેના કારણે ઓથોરિટીએ ખાદ્ય વ્‍યવસાય કરતી ઈ-કોમર્સ કંપનીઓના સંચાલકો (FBO)ની બેઠક બોલાવી હતી. ઓથોરિટીએ બેઠકમાં તમામ ઈ-કોમર્સ કંપનીઓને કડક નિર્દેશ આપ્‍યા છે. FSSAIનાં મુખ્‍ય કાર્યકારી અધિકારી ગંજી કમલા વી રાવે સંચાલકોને એવી વ્‍યવસ્‍થા કરવાનો નિર્દેશ આપ્‍યો છે કે, તેઓ ગ્રાહકોને ડિલિવરી કરતા ખાદ્ય પદાર્થોના ઓછામાં ઓછા શેલ્‍ફ લાઈફનું ધ્‍યાન રાખે.

બેઠકમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે, ઈ-કોમર્સ દ્વારા વેચવામાં આવતી કોઈપણ પ્રોડક્‍ટના દાવા પ્રોડક્‍ટના લેબલ પરની માહિતી મુજબ જ હોવા જોઈએ અને FSSAIના લેબલીંગ અને પ્રદર્શન નિયમોનું પાલન કરવું જોઈએ. FSSAIએ ઓનલાઈન પર ખોટા દાવાઓ દેખાડવા મામલે પણ કંપનીઓને ચેતવણી પણ આપી. ઓથોરિટીનું કહેવું છે કે, યોગ્‍ય ખોટા દાવાઓ દર્શાવવાના કારણે ખોટી માહિતી ફેલાતી અટકાવી શકાશે તેમજ પ્રોડક્‍ટના ઉત્‍પાદનની યોગ્‍ય માહિતી મેળવાના ગ્રાહકોના અધિકારની રક્ષા થશે.

FSSAIએ ગ્રાહકોના સ્‍વાસ્‍થ્‍યની સુરક્ષા અને પારદર્શિતાને પ્રોત્‍સાહન આપવા માટે ઓનલાઈન પ્‍લેટફોર્મની ભૂમિકા પણ સમજાવી છે. રાવે કહ્યું કે, કોઈપણ FBO માન્‍ય FSSAI લાઈસન્‍સ અથવા નોંધણી વિના કોઈપણ ઈ-કોમર્સ પ્‍લેટફોર્મ પર કામ કરી શકશે નહીં. તેમણે FBOsને ખાદ્ય ઉત્‍પાદનોની સમયસર ડિલિવરી માટે કર્મચારીઓને યોગ્‍ય તાલીમ આપવાનો નિર્દેશ આપ્‍યો હતો