ક્રિકેટ ટુર્નામેન્ટમાં આલ્કોહોલ કે તમાકુની જાહેરાત નહીં : કેન્દ્ર સરકારે BCCIને પત્ર લખ્યો

લોગ વિચાર :

ભારતમાં ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન, તમાકુ ઉત્પાદનોની જાહેરાત ઘણીવાર સ્ટેડિયમમાં મૂકવામાં આવે છે. આ જાહેરાતોને તમાકુના ઉત્પાદન સાથે સીધી રીતે દર્શાવવામાં આવતી નથી, પરંતુ તમાકુ ઉત્પાદન સાથે જોડાણ ધરાવતા અન્ય ઉત્પાદનો દ્વારા પ્રચાર કરવામાં આવે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે BCCIને આ અંગે વિનંતી કરતા કહ્યું છે કે, ભારતના ક્રિકેટ સ્ટેડિયમમાં તમાકુ અને આલ્કોહોલનો પ્રચાર કરતી છુપી જાહેરાતોને હવે બંધ કરવામાં આવે, તેના માટે થઈને BCCIએ આ બાબત પર પગલાં ભરવા પડશે.

મંત્રાલયે વધુમાં કહ્યું કે, ક્રિકેટરો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો યુવાનો માટે રોલ મોડેલ છે. BCCIના પ્રમુખ રોજર બિન્ની અને SAIના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાનને લખેલા પત્રમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડો. અતુલ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે ખેલાડીઓ, ખાસ કરીને ક્રિકેટરો, તંદુરસ્ત, સક્રિય અને ઉત્પાદક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યુવાનો માટે રોલ મોડેલ છે. ભારતીય ક્રિકેટ બોર્ડની ઇવેન્ટ હોય કે પછી ક્રિકેટરો પણ તમાકુ અથવા આલ્કોહોલની એડ ન કરે તેવી ભલામણ કરી છે.

ડો. અતુલ ગોયલે જણાવ્યું હતું કે, BCCIને ભારતના ખેલાડીઓ અને ક્રિકેટ ફેન્સને ધ્યાનમાં રાખીને ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ, રૂપરેખા, માર્ગદર્શિકા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે અને IPL જેવી ક્રિકેટ ઇવેન્ટ દરમિયાન, તેમાંથી કેટલાક - ફેમસ ક્રિકેટર અને ફેમસ એક્ટર્સને તમાકુ કે આલ્કોહોલ સંબંધિત જાહેરાત કરતા જોવું નિરાશાજનક છે.

વધુમાં કહ્યું કે, આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લેતા, બીસીસીઆઈ ખેલાડીઓને તમાકુ અથવા આલ્કોહોલ સંબંધિત જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકવા માટે સકારાત્મક પગલું ભરી શકે છે. તેઓને વિનંતી કરવામાં આવે છે કે આઈપીએલ જેવી બીસીસીઆઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં અન્ય સેલિબ્રિટી દ્વારા આવી છુપાયેલી (સરોગેટ) જાહેરાતોને મંજૂરી ન આપો.