તિરુપતિ બાલાજી ટ્રસ્ટમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે

લોગવિચાર :

તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તિરુપતિ બાલાજી ટ્રસ્ટમાંથી હવે બિન-હિન્દુ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.

TTD એ બોર્ડમાં કામ કરતા બિન-હિન્દુઓને કાં તો સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેવા અથવા આંધ્ર પ્રદેશમાં અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવાનું પસંદ કરવા માટે એક ઠરાવ પસાર કર્યો છે.

બોર્ડે સ્વીકાર્યો પ્રસ્તાવ
બોર્ડના અધ્યક્ષ બીઆર નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે, તેઓએ TTDમાં બિન-હિન્દુ કર્મચારીઓની ઓળખ કરી છે અને તેઓને VRS  લેવા અથવા અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરશે.

ટીટીડીના ચેરમેને કહ્યું કે, મેં સોમવારે બોર્ડમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બોર્ડે સર્વાનુમતે સ્વીકાર્યું છે. ભાજપ સાંસદ અને આંધ્ર પ્રદેશના ભાજપ અધ્યક્ષ ડી પુરંદેશ્વરીએ મંદિરમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને દૂર કરવાના TTD બોર્ડના પ્રસ્તાવને આવકારતા તેને ખૂબ જ સારો નિર્ણય ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, હિંદુ ધર્મ પ્રત્યે આદરનો અભાવ ધરાવતા લોકો જો મંદિરોમાં ભૂમિકા મેળવે તો તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ ટીટીડીના નિર્ણયને આવકારતા કહ્યું કે, બિન-હિન્દુ કર્મચારીઓને આંધ્રપ્રદેશમાં અન્ય સ્થળોએ પોસ્ટ કરવા જોઈએ.