હવે કાળા મરીમાં ભેળસેળ : 2600 કિલો જથ્થો જપ્ત

લોગવિચાર :

ખાદ્યચીજોમાં ભેળસેળનું દુષણ સતત વધતુ રહ્યું છે. ત્યારે હવે કાળામરીમાં ભેળસેળનો ખુલાસો થયો છે. ફૂડ વિભાગે નડીયાદમાં દરોડો પાડીને 2600 કિલોનો જથ્થો જપ્ત કરીને નમુના ચકાસણી માટે મોકલ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ અને એસ.ઓ.જી. પોલીસ, નડિયાદની ટીમ ને  મે. જય અંબે સ્પાઇસીસ, ખાતે શંકાસ્પદ રીતે કાળા મરીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. પેઢી મે. જય અંબે સ્પાઇસીસ પાસે ઋજજઅઈં નું લાઈસન્સ ધરાવતા ન હતા.

તપાસમાં જય અંબે સ્પાઈસીસ ગોડાઉનનાં ધંધાના માલિક ધીરેન વાસુદેવ પટેલ સ્થળ ઉપર હાજર રહેલ અને તેઓને સ્થળ ઉપર જોવા મળેલ ધંધા અર્થે પૂછતા તેઓએ જણાવેલ કે તેઓ ધ્વારા કાળા મરીનું રો-મટીરીયલ લાવી તેની ઉપર ગુંદર પાવડર અને સ્ટાર્ચ પાવડરનો કોટીંગ કરી તેના ઉપર તેઓની પાસે રહેલ ઓઈલમાં પોલીશ કરી માલનું વજન વધારે પકડાય તે અર્થે ધંધો કરતા જણાયેલ.

આથી, તંત્ર દ્વારા માલિક ધીરેન વાસુદેવ પટેલની હાજરી માં કાળા મરી, સ્ટાર્ચ પાઉડર, ઓઈલ અને ગુંદર ના એમ કુલ - 5 (પાંચ) નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે 2600 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 9 લાખ થી વધુ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્ય નાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.