હવે હવામાન માટે Chat GPT જેવી એપ તૈયાર કરવામાં આવશે

લોગવિચાર :

ભારતીય મોસમ વૈજ્ઞાનિકો હવે આગામી સમયમાં ચોમાસાની વધુ ચોક્કસ આગાહી કરી શકશે અને સંભવત: વિજળી પડવાની ઘટનાઓ તેમજ અન્ય તોફાનો અંગે પણ લોકોને અગાઉથી સાવચેત કરી શકશે.

ખાસ કરીને ચાલુ વર્ષે જે રીતે અનેક વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ સર્જાઇ છે તેના પરથી હવે મિશન મોસમના આધારે ચેટ જીપીટી જેવું એક એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તે હવામાનની આગાહી ટેક્સ અને વોઇસ બંને ફોર્મેટમાં આપશે.

મીશન મોસમ હેઠળ દેશમાં કોઇપણ વ્યકિત આ એપના આધારે તેના વિસ્તારમાં કે દેશભરમાં હવામાનની પરિસ્થિતિ જાણી શકશે. આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સનો સહારો લેવામાં આવશે. હાલ આ અંગેનું જે ટેકનોલોજી છે તેમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સની ભૂમિકા વધારવામાં આવશે. હાલ હવામાન ખાતુ જે વિસ્તારમાં ઓછો વરસાદ થાય છે ત્યાં ક્લાઉડ સીડીંગ જેવી વ્યવસ્થા પણ કરે છે.

પરંતુ હવે આ ક્લાઉડ સીડીંગની સફળતા વધે તે માટે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સનો સહારો લેશે. આ માટે કેન્દ્ર સરકારે રૂા.2 હજાર કરોડ મંજુર કર્યા છે. એક પ્રયોગ એવો પણ થઇ રહ્યો છે કે ક્લાઉડ ચેમ્બરના આધારે વરસાદ શરૂ પણ કરી શકાશે અને વરસાદને અટકાવી પણ શકાશે. આ માટે ટેકનોલોજી તૈયાર થઇ રહી છે. ક્લાઉડ ચેમ્બર એ ડ્રોન મારફત શક્ય બને છે.

પાંચ વર્ષમાં આ પ્રક્રિયા પૂરી કરાશે. જો કે આ ટેકનોલોજી અત્યંત અઘરી છે પરંતુ એક વખત સ્માર્ટ વેધરએપ તૈયાર થઇ ગયા પછી તે સરળતાથી ચાલે તે જોવામાં આવશે. અમેરિકા અને અન્ય દેશોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

ક્લાઉડ સીડીંગ અને ક્લાઉડ મોડીફીકેશન જે વ્યવસ્થાને હાલ મર્યાદીત સફળતા મળી છે. પરંતુ હવે જે રીતે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ આગળ વધી રહ્યું છે તે જોતા તેમાં વધુ સારી વ્યવસ્થા કરી શકાશે.