લોગ વિચાર.કોમ
ભારતમાં ડોક્ટરો, વકીલો અને CAની જેમ એન્જિનિયરોનું પણ રજિસ્ટ્રેશન થશે. કેન્દ્ર સરકારે આર્કિટેક્ચર, લો અને ફાર્મસી કાઉન્સિલની જેમ એન્જિનિયરો માટે એક એપેક્સ રેગુલેટરી બોડી બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે. સરકાર, પ્રોફેશનલ એન્જિનિયર્સ બિલ-૨૦૨૫ લાવવાની તૈયારી કરી રહી છે. ઈન્ડિયન પ્રોફેશનલ એન્જિનિયર્સ કાઉન્સિલ (IPEC)ની રચના કરવામાં આવશે, જે ભારતમાં એન્જિનિયરોને પ્રોફેશનલનો દરજ્જો અપાવવાનું કામ કરશે.
પ્રોફેશનલ એન્જિનિયર્સ કાઉન્સિલ એન્જિનિયરોના રજિસ્ટ્રેશન, દેખરેખ (મોનેટરિંગ) અને નિયમન (રેગુલેટિંગ)નું કામ કરશે. અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદ (AICTE)એ આ ઈન્ડિયન પ્રોફેશનલ એન્જિનિયર્સ કાઉન્સિલ (IPEC)ને ઔપચારિક સ્વરૂપ આપવા માટે એક ડ્રાફ્ટ બિલ જાહેર કર્યું છે અને ૧૦ એપ્રિલ સુધી આ પ્રસ્તાવ પર જનતા પાસેથી પ્રતિસાદ માંગ્યો છે. AICTEના વાઇસ પ્રેસિડેન્ટ ડો. અભય જેરેનું કહેવું છે કે, આ ભારતમાં એન્જિનિયરો માટે પ્રથમ વખત કેન્દ્રીય રજિસ્ટ્રેશન સિસ્ટમ છે. આનાથી રજિસ્ટર્ડ એન્જિનિયરોને શાનદાર કરિયર માટે ટ્રેનિંગ અને સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની તકો પણ મળશે.
ભારતમાં આર્કિટેક્ટ, વકીલો અને ફાર્માસિસ્ટની જેમ એન્જિનિયરોને પ્રોફેશનલ રીતે પ્રેક્ટિસ કરવા માટે રજિસ્ટ્રેશનની જરૂર નથી હોતી. જોકે, એન્જિનિયરિંગ ફિલ્ડના ઝડપી વિસ્તરણ અને વિનિયમિત ક્વોલિટી સ્ટાન્ડર્ડની વધતી માંગની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦એ એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ માટે એક સ્વતંત્ર સંસ્થાના નિર્માણની ભલામણ કરી હતી. ઉત્તમ કૌશલ્ય વિકાસ, જવાબદારી અને નૈતિક ધોરણોને સુનિશ્ચતિ કરવા માટે કેન્દ્ર સરકારે ઈન્ડિયન પ્રોફેશનલ એન્જિનિયર્સ કાઉન્સિલ (IPEC)ની સ્થાપનાની દિશામાં પગલાં ભર્યાં છે. IITs, IIITs, NITs અને અખિલ ભારતીય શિક્ષણ પરિષદ (AICTE)માંથી એન્જિનિયરિંગ કરનારા નવા-જૂના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
કાઉન્સિલમાં ૨૭ સભ્યો હશે, જેમાં ૧૬ નામાંકિત સભ્યો અને માન્યતા પ્રાપ્ત એન્જિનિયરિંગ સંસ્થાઓના ૧૧ પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સચિવ, IITના નિદેશક, AICTEના પૂર્વ અધ્યક્ષ, એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ અને સરકાર દ્વારા નામાંકિત સભ્યો હશે. પરિષદના અધ્યક્ષની પસંદગી એક સ્વતંત્ર સર્ચ કમિટી દ્વારા કરવામાં આવશે. બોર્ડમાં સરકારે ડ્રાફ્ટ બિલ પર ૧૦ એપ્રિલ સુધી જનતા પાસેથી પ્રતિક્રિયા માંગી છે. પ્રતિક્રિયાના આધારે બિલને મંજૂરી માટે પ્રસ્તુત કરતા પહેલા સુધારા કરવામાં આવશે.