લોગવિચાર :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ-12 સાયન્સમાં 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી. જ્યારે ધોરણ-10માં બે વિષય અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી.
પરંતુ ગત પરીક્ષા એટલે કે માર્ચ-2024ની પરીક્ષાથી બોર્ડ દ્વારા તેમાં ફેરફાર કરાયો હતો. જે અનુસાર ધોરણ-12 સાયન્સમાં બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક આપવામાં આવી હતી. જેમાં ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.
મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા પૈકી વિદ્યાર્થીએ જેમાં વધુ ગુણ મેળવ્યા હતા તે અનુસાર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાયું હતું. જ્યારે ધોરણ-10માં 3 વિષય અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષાનું આયોજન કરાયું હતું.
જોકે, ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા સરકાર સમક્ષ ધોરણ-12 સાયન્સની જેમ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક મળે તે માટે આ બંને ધોરણમાં પણ મુખ્ય પરીક્ષા સાથે પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયની પરીક્ષા લેવા માટેની દરખાસ્ત કરાઇ હતી.
દરખાસ્તના અનુસંધાને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટેની જોગવાઈમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. જેના પગલે હવે ધોરણ-12 સાયન્સની જેમ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક મળશે. આ માટે બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષા ઉપરાંત પૂરક પરીક્ષામાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.
આ વખતે ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયોની પરીક્ષાનું આયોજન કરાશે. આમ, બોર્ડને આગામી પરીક્ષા બે વખત યોજવી પડશે. મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી પણ પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી જેમાં વધુ ગુણ હશે તે માન્ય રાખી પરિણામ તૈયાર કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડની અગાઉની જોગવાઈ અનુસાર પૃથ્થક ઉમેદવાર પૂરક પરીક્ષામાં બેસી શકશે નહીં તેમ જણાવાયું હતું. જોકે, નવી જોગવાઈ અનુસાર પૃથ્થક ઉમેદવાર જે વર્ષની મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત હોય અને પૂરક પરીક્ષાની જોગવાઈ અનુસાર પૂરક પરીક્ષા આપવા માટે પાત્રતા ધરાવતા હોય તો તેવા ઉમેદવાર તે જ વર્ષની પૂરક પરીક્ષા માટે લાયક ઠરશે તેમ નક્કી કરાયું છે.
આ ઉપરાંત સરકાર દ્વારા કરવામાં આવેલી વિશેષ જોગવાઈ સિવાય કોઈ પણ વિદ્યાર્થી જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલો ન હોય તો તે ઉમેદવાર પૂરક પરીક્ષા માટે લાયક ઠરશે નહીં.