હવે આઈસ્ક્રીમમાં વ્હિસ્કી ભેળવીને ખાવાનો નવો ટ્રેન્ડ : પોલીસે કાર્યવાહી કરી

લોગવિચાર :

છેલ્લા અનેક સમયથી ભારતના અનેક પ્રખ્‍યાત પેકેજ ફૂડમાંથી મળત કૉકરોચ, ઉંદર, દેડકાની સાથે માણસની આંગળી પણ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી હતી. રોજિંદા જીવનમાં વપરાતા આ ખોરાકમાં આ બધુ મળી આવતા લોકોના સ્‍વાસ્‍થ્‍યને લઈને અનેક પ્રશ્‍નો ઉપસ્‍થિત કરવામાં આવ્‍યા હતા અને આ મામલે કોણ જવાબદાર છે તેવી માગણી પણ કરવામાં આવી રહી છે. જો કે હવે ફરી એક વખત ફૂડ આઈટમ ચર્ચામાં આવ્‍યું છે જો કે આ વખતે તેમાં કઈ મળી નથી આવ્‍યું પણ તેમાં એવું કંઈક મેળવવામાં આવ્‍યું છે જેને લઈને હવે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટના હૈદરાબાદની છે જ્‍યાં એક આઈસ્‍ક્રીમ પાર્લર તેમની આઈસ્‍ક્રીમમાં વ્‍હિસ્‍કી ભેળવીને આપવામાં આવી રહી હોવાની વાતની જાણ થતાં તરત જ પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી.

હૈદરાબાદના આબકારી વિભાગે શહેરમાં એક આઈસ્‍ક્રીમ પાર્લર પર દરોડો પાડ્‍યો હતો. આ પાર્લરની આઈસ્‍ક્રીમમાં વેનીલા સિવાય અન્‍ય બીજો પણ એક પદાર્થ મિક્‍સ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, અરિકો કેફે આઇસક્રીમ પાર્લર દ્વારા આઈસ્‍ક્રીમમાં વ્‍હિસ્‍કી મિક્‍સ કરીને લોકોને આપવામાં આવી રહ્યું હોવાની જાણ થઈ હતી. જ્‍યુબિલી હિલ્‍સમાં આવેલું આ પાર્લર તેના ગ્રાહકોને વ્‍હિસ્‍કી-ઇન્‍ફયુઝ્‍ડ આઈસ્‍ક્રીમ સર્વ કરતું હતી. પરંપરાગત આઈસ્‍ક્રીમના મિશ્રણમાં વ્‍હિસ્‍કી ભેળવીને આ પાર્લર તેને ઊંચી કિંમતે વેંચતું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસે પાડેલા દરોડામાં કુલ ૧૧.૫ કિલો ગેરકાયદેસર આઈસ્‍ક્રીમના ૨૩ ટુકડાઓ મળી આવ્‍યા હતા. શરથ ચંદ્ર રેડ્ડી પાર્લરનો માલિક અને દારૂની મહેફિલ પાછળનો કથિત મુખ્‍ય સૂત્રધાર જે પ્રત્‍યેક કિલોગ્રામ આઈસ્‍ક્રીમમાં ૬૦ મિલી વ્‍હિસ્‍કી ભેળવતો ઝડપાયો હતો. પાર્લરના કર્મચારીઓ, દયાકર રેડ્ડી અને શોભન, પણ આ રેકેટમાં સંડોવાયેલા હતા અને તેમના પર વ્‍હિસ્‍કીપ્રલેસ્‍ડ આઈસ્‍ક્રીમ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો.

રેડ્ડી માત્ર ૨૧ વર્ષ કરતાં નાની ઉંમરના લોકોને પણ આ આઈસ્‍ક્રીમ આપતો હતો એટલું જ નહીં, પરંતુ તે અને તેના સાથીદારો પણ તેમના ઉત્‍પાદનને ફેસબુક પર પ્રમોટ કરી રહ્યા હતા જેથી તેઓ વ્‍હિસ્‍કી મિક્‍સ્‍ડ આઈસ્‍ક્રીમને વધુ લોકો સુધી પહોંચાડી તેમને આકર્ષિત કરી શકે. આ દરોડાની આગેવાની કરનાર આબકારી અધિક્ષક પ્રદીપ રાવે જણાવ્‍યું હતું કે, બાળકોને આલ્‍કોહોલ આધારિત ઉત્‍પાદનોનું વેચાણ એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે, અને અમે કડક પગલાં લઈશું. સંડોવાયેલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોઈપણ દારૂ કે તેનાથી બનેલા પદાર્થના વેચાણ માટે સરકાર પાસેથી ખાસ પ્રકારનું લાઇસન્‍સ મેળવવું પડે છે જે આ પાર્લર પાસે નથી જેને કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ જ આ પાર્લરે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરેલી જાહેરાતને પુરાવા તરીકે મેળવવામાં આવ્‍યા છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.