હવે સ્ક્રેપ પોલિસીમાં વાહનોની ઉંમરને મર્યાદિત કરવા માટે પ્રદૂષણ પરીક્ષણ માપદંડ હશે

લોગવિચાર :

દેશમાં પ્રદુષણ ઘટાડવા અને ઇંધણનો વપરાશ પણ કરકસરયુકત થાય તે માટે આધુનિક ટેકનોલોજી ધરાવતા વાહનોનો ઉપયોગ વધે તે હેતુથી લાવવામાં આવેલી સ્ક્રેપ પોલીસીમાં સરકાર હવે ધરમૂળથી ફેરફાર કરવા જઇ રહી છે. હાલ મોટા કોમર્શિયલ વાહનો માટે 15 વર્ષની આયુ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે અને તે આયુ મર્યાદા પૂરી કરનાર વાહનોને ફિટનેસ સર્ટીફીકેટ લેવાનું ફરજીયાત કરીને સ્ક્રેપમાં મોકલવા અંગે પણ જોગવાઇ છે.

પેટ્રોલ વાહનો માટે 15 વર્ષ અને ડિઝલ વાહનો 10 વર્ષ જુના હોય તેને દિલ્હીના માર્ગો ઉપર પણ દોડાવવાની મંજૂરી નથી અને આ પ્રકારના વાહનો ઓટોમેટીક ડીરજીસ્ટર થઇ જાય છે. પરંતુ સરકાર હવે ફકત વાહનોની આયુ મર્યાદા જ નહીં પરંતુ તેની પોલ્યુશન ટેસ્ટીંગ એટલે કે ફિટનેસ સર્ટીફીકેટ પર તેને સ્ક્રેપમાં મોકલવા અંગે વિકલ્પ આપશે. દિલ્હીમાં પ્રદુષણની સમસ્યા વધતી જાય છે અને દેશભરમાં તે ધીમે ધીમે આગળ વધતી  જાય છે.

પરંતુ જે વાહનો 1પ વર્ષ બાદ પણ વધુ સારી સારસંભાળના કારણે પ્રદુષણ ફેલાવવામાં નિયંત્રણ ધરાવતા હોય તો તે વાહનો માટે હવે રોડ પર દોડતા રાખવાનો  વિકલ્પ મળશે. ખાસ કરીને જે રીતે વાહનોની કિંમત ઉંચી જઇ રહી છે તે બાદ હવે સરકાર સ્ક્રેપ પોલીસીમાં ફેરફાર લાવી રહી છે અને તેમાં પ્રિ-બીએસ1 અથવા પ્રિ-બીએસ2 જેવા માપદંડ અપનાવાશે.

આ અંગે ટુંક સમયમાં સરકાર  નિર્ણય લઇ લેશે. જોકે વિદેશમાં તો ફિટનેશ સર્ટીફીકેટમાં તો અત્યંત કડક જોગવાઇ છે. પરંતુ ભારતમાં સ્ક્રેપ પોલીસી અમલમાં આવ્યા બાદ તેમાં કોઇ મોટો રશ સર્જાયો નથી. જોકે સુપ્રીમ કોર્ટે આયુ મર્યાદા ઉપર જ જવા માટે ચુકાદો આપ્યો છે પરંતુ માનવામાં આવે છે કે સરકાર તેમાં પણ માર્ગ કાઢશે.