લોગ વિચાર.કોમ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે ‘જો મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) મુંબઈ શહેરમાં નવું સ્ટેડિયમ બનાવવા વિશેની દરખાસ્ત મોકલશે તો અમારી રાજ્ય સરકાર એ માટે વિશાળ પ્લોટ ફાળવશે.’
એમસીએ દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં ભૂતપૂર્વ કેપ્ટન અજિત વાડેકર તેમ જ બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર તેમ જ કરોડો ક્રિકેટપ્રેમીઓના લાડલા રોહિત શર્માના નામ જે સ્ટેન્ડને આપવામાં આવ્યા છે એ ત્રણ સ્ટેન્ડના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત ફડણવીસ બેહદ ખુશ હતા.
તેમણે સ્પીચમાં કહ્યું, ‘આપણા આઇકોનિક બેટ્સમેન, કેપ્ટન અને મારા ફેવરિ : ક્રિકેટર્સમાંના એક તેમ જ પોતાની બેટિંગથી અનેક લોકોને મંત્રમુગ્ધ કરનાર ખેલાડી (રોહિત શર્મા) અહીં હાજર છે અને તેની ઉપસ્થિતિમાં હું કહું છું કે જો એમસીએ પ્રપોઝલ મોકલશે તો અમે એક લાખ પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતાવાળું નવું સ્ટેડિયમ બનાવવા માટે વિશાળ જમીન આપીશું અને આશા રાખીશું એ નવું સ્ટેડિયમ પાંચ વર્ષમાં (2030 સુધીમાં) બની જાય.’
2030માં એમસીએ 100 વર્ષ પૂરા કરશે અને એ અરસામાં નવું સ્ટેડિયમ બની શકે એવી ધારણા છે. વાનખેડે સ્ટેડિયમનું આ ગોલ્ડન જ્યુબિલી યર છે. આ સ્ટેડિયમમાં 34,000 પ્રે કો બેસી શકે એટલી જગ્યા છે. નજીકમાં જ આવેલા ઐતિહાસિક બ્રેબર્ન સ્ટેડિયમમાં 20,000 જેટલા પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમની ક્ષમતા 45,000 સીટની છે. .
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,00,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે અને એ રીતે એ ક્રિકેટ જગતનું સૌથી મોટું સ્ટેડિયમ છે. મુંબઈમાં પણ એની હરોળનું સ્ટેડિયમ બને એવી ફડણવીસા સરકારની ધારણા છે.