લોગવિચાર :
વીરપુરમાં ‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો' ના સુત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતી આગામી તા. ૮/૧૧/૨૪ને શુક્રવારે ધામધૂમથી ઉજવાશે.
‘જયા ટુકડો ત્યા હરી ઢુકડો ' ને જીવન મંત્ર બનાવનાર જેનું આજે ૨૦૫ વર્ષે પણ સતત સદાવ્રત ચાલુ જ છે તે સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાની આગામી તા.૦૮/૧૧/૨૪ને શુક્રવારે કારતક સુદ સાતમના રોજ આવતી ૨૨૫મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં ભાવિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિવાળીનો તહેવાર એટલે લોકો માટે રજાઓનો દિવસો અને આ દિવસોનો ફાયદો ઉઠાવવા માટે લોકો પરિવારો સાથે હરવા ફરવાના તેમજ ધાર્મિક તીર્થ સ્થાનોએ ઉપડી જતા હોય જેમાં સૌરષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિતે યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળે છે તેમાંય દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોય ભાવિકોમાં બાપાના દર્શન કરવામાં બમળો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવા વીરપુર વેપારીઓ તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા સમગ્ર વીરપુર ગામને ધજા, પતાકા ઠેરઠેર કમાનો લગાવી અને રોશનીથી ઝળહળતું કરી ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે. તા.૮ નવેમ્બર શુક્રવાર કારતક સુદ સાતમના દિવસે પુજ્યબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને અત્યારે સ્વયં સેવકો દ્વારા આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.
બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે ત્રણસોથી વધુ સ્વયંમ સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે. અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગામજનો દ્વારા બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે,
૩૦૦ થી વધુ સ્વયંસેવકો સેવાકાર્યમાં
જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીને લઈને લાખો ભાવિકો વીરપુરમાં ઉમટી પડશે જેમની દર્શનથી લઈને ભોજન પ્રસાદ સહીતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૩૦૦ થી વધુ સ્વયંસેવકો સેવાકાર્યમાં જોડાશે. તેમ સુભાષભાઈ જોષી- સ્વયંમ સેવક કમીટી-વીરપુરએ જણાવ્યું છે.
શોભાયાત્રા
વીરપુરના વિશ્વવિખ્યાત સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૫મી જયંતી વીરપુરમાં ધામધૂમ થી ઉજવાશે જેમાં પૂજ્ય જલારામ બાપાની જયંતીની આગલા દિવસે એટલે તા.૭ નવેમ્બરે રાતે આસોપાલવ પાર્ટી પ્લોટ ખાતે વિનામૂલ્યે મહિલાઓ માટે ભવ્ય રાસ ગરબા યોજાશે તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાશે જે વીરપુરના મુખ્ય ચોક મીનળવાવ ચોકથી શહેરના વિવિધ રસ્તાઓ પણ નીકળશે જેમાં વીરપુરની ગરબી મંડળની બાળાઓ રાસ ગરબા રમશે, તેમજ આ શોભાયાત્રામાં ભાવિકોને ૨૨૫ કિલો જેટલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવશે.