લોગ વિચાર :
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રિએ શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસની સારવાર હેઠળ બાળકનું મોત નીપજ્યું છે. જેને લઈને મૃત્યુ આંક છ થયો છે. ત્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે.
આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આસિ. RMO ડો. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં આઠ બાળકોના કેસ આવ્યા હતા. જેમાંથી 6 બાળકોનાં મોત થયાં છે. જ્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામનો 3 વર્ષીય બાળકને 13 જુલાઈના રોજ દાખલ કરવામાં આવ્યું હતું, જેની હાલત ગંભીર હતી, જેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. એ બાળકનું બે દિવસની સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. તો છેલ્લા 3 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી, જ્યારે પુણે ખાતે સાત સેમ્પલ મોકલવામાં આવ્યાં છે.
રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામાં એક- એક શંકાસ્પદ કેસ છે.
જ્યારે રાજસ્થાનના 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામનાં સેમ્પલ પુના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ સરેરાશ 12થી 15 દિવસમાં આવે છે.
શું છે આ ચાંદીપુરા વાઇરસ
આ એક એવો ખતરનાક વાઇરસ છે, જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે, જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂનાં લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતાં બાળક કોમામાં ચાલ્યું જાય છે.
આ વાઇરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાઇરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાઈરસ 14 વર્ષ કરતાં નાનાં બાળકોને પોતાનો શિકાર બનાવે છે.