લોગ વિચાર :
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં હીચકારી ઘટના સામે આવી છે. અહીં ઝૂલામાં સૂતેલી માત્ર એક વર્ષની બાળકી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટીમાં રહેતી એક મહિલા પોતાની એક વર્ષની બાળકીને ઝૂલામાં સુવડાવીને ઘરના કામમાં વ્યસ્ત હતી. બાળકી સુરક્ષિત રહે તે માટે માતાએ તેના પેટના ભાગે એક રૂમાલ બાંધ્યો હતો. પરંતુ, કમનસીબે આ રૂમાલ ખસીને બાળકીના ગળાના ભાગે આવી ગયો અને ફાંસો બની ગયો.
થોડા સમય બાદ માતાએ બાળકીને જોવા માટે ઝૂલા પાસે ગઈ તો તેની આંખો ફાટી ગઈ હતી. બાળકી ઝૂલામાં લટકતી હાલતમાં જોવા મળી હતી. ગભરાયેલી માતા તરત જ બાળકીને લઈને નજીકની સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી.
જો કે, હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. તબીબોએ જણાવ્યું કે, ગળાફાંસો લાગવાના કારણે બાળકીનું શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું છે. પોલીસે આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ ઘટના તમામ માતા-પિતા માટે એક ચેતવણી સમાન છે કે નાના બાળકોની દેખરેખ રાખવામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ.