Happy Birthday Big B : 83મા વર્ષે પ્રવેશ

લોગવિચાર :

ભારતીય ફિલ્મોની અજાયબી જેવા જીવંત દંતકક્ષારૂપ અમિતાભ બચ્ચને આજે 82 વર્ષ પૂરા કરીને 83મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. જે વયે માણસ પથારીવશ હોય, હાથ-પગ કામ કરતા બંધ થઇ ગયા હોય, શરીર અને મનનું સંતુલન ન રહેતું હોય, લોકો પ્રભુભક્તિમાં લીન હોય ત્યારે અમિતાભ બચ્ચન ફૂલ એક્ટિવ છે.

એ જ સ્ફૂર્તિ અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે. બર્થ-ડેના આગલા દિવસે એટલે કે, ગઇકાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી એક એડ ફિલ્મનું શૂટીંગ કરતા હતા. આ ઉપરાંત ‘કૌન બનેગા કરોડપતિ’નું પણ તેઓ શૂટીંગ કરી રહ્યા છે. સાથે સાથે ફિલ્મોના શૂટીંગ પણ ચાલુ છે. પોતાના બર્થ-ડે પૂર્વે અમિતાભની ગઇકાલે રજનીકાંત સાથેની પોતાની પ્રથમ તમિલ ફિલ્મ ‘વેટ્ટયન’ રીલીઝ થઇ છે.

અમિતાભે જૈફ વયે પોતાની અદભૂત અદાકારીનો પરિચય તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ’માં આપ્યો હતો. અમિતાભના સમકાલીન અભિનેતા હતો આજે નિવૃત્ત થઇ ગયા છે. તો કેટલાક મૃત્યુ પામ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન આ ઉંમરે સક્રિય છે.

હિન્દીના સુપ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનના પુત્ર અમિતાભ બચ્ચને કારકિર્દીની શરૂઆતમાં કારમી નિષ્ફળતા બાદ ‘જંજીર’ની સફળતા બાદ અમિતાભે પાછું વળીને નથી જોયું.

‘દીવાર, શોલે, કભી કભી, ત્રિશુલ, અમર અકબર એન્થની’ જેવી ફિલ્મોએ ભારે લોકપ્રિયતા અપાવી હતી. રૂપેરી પરદે એંગ્રી યંગમેનને સ્થાપિત કર્યો હતો. જીવનના ઉત્તરાર્ધમાં અમિતાભે ‘બ્લેક’, ‘પા’ જેવી ઓફબીટ ફિલ્મમાં પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો હતો.

અમિતાભની સફળતાનું રહસ્ય છે. પ્રતિભા, પુરુષાર્થ,પ્રારબ્ધ અને શિસ્ત આ ઉંમરે પણ કડક શિસ્તબદ્ધ છે. વહેલી સવારથી માંડી રાત સુધી તેઓ શૂટીંગ કરે છે, પણ રવિવારે રજા રાખે છે.