લોગવિચાર :
જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વની ત્યાગ, તપ તથા ધર્મ આરાધના સાથે ઉજવણી થઈ રહી છે. આવતીકાલે મૂર્તિપૂજક જૈનો અંતિમ દિવસ-સંવત્સરી પર્વ ઉજવશે તથા સ્થાનકવાસી જૈનોની સંવત્સરી રવિવારે છે.
સંવત્સરી પર્વ એટલે ક્ષમાના આદાન-પ્રદાનનું પર્વ છે. આવતીકાલે મૂર્તિપૂજક જૈનોના સંવત્સરી પ્રતિક્રમણ સાથે પયુર્ંષણ પર્વનું સમાપન થશે. રવિવારે તપસ્વીઓના પારણા થશે. સંઘોમાં સમૂહ પારણાના આયાજનો કરાયા છે. પર્વાધિરાજ પર્યુષણમાં ‘ક્ષમા’ને પ્રાણ ગણવામાં આવેલ છે. સમગ્ર જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ, વાત્સલ્ય ભાવ, શુધ્ધ નિસ્વાર્થ સ્નેહભાવ કેળવવાનું આ પર્વ છે.
‘ખામેમિ સવ્વ જીવા ખમંતુ મે, મિતિમે સવ્વ ભુએસુ વૈરં મજઝ ન કેલાઈ’ના ભાવ સાથે કાલે સંવત્સરી પ્રતિક્રમણમાં ક્ષમાયાચના થશે.
જયારે સ્થાનકવાસી જૈનોમાં તા.8મીના રવિવારે સંવત્સરી પર્વ ઉજવાશે.
પર્યુષણ પર્વની તપ, ત્યાગ, ધર્મ આરાધના સાથે ઉજવણી થઈ રહી છે. આજે મૂર્તિપૂજક જૈન સંઘોમાં કલ્પસૂત્રના સાતમા અને આઠમા વ્યાખ્યાનમાં પર્વાધિરાજ પર્વ પર્યુષણના સાતમા દિવસે પાર્શ્વનાથ, નેમિનાથ તથા ઋષભદેવનું ચરિત્ર, 21 તીર્થકરોના આંતરા અને જંબૂ સ્વામી આદિ મહાપુરૂષોના ચરિત્ર પર પ્રવચન થયા હતા.આજે વ્યાખ્યાનમાં બારસાસૂત્રની ઉછામણી બોલી બોલાઈ હતી. આવતીકાલે સંવત્સરી છે આરાધનાનો સર્વોત્તમ દિવસ છે. આવતીકાલે ગુરૂ ભગવંતો વ્યાખ્યાનમાં બારસા સૂત્રનું વાચન કરશે આ બારસા સૂત્ર અર્ધમગાધી ભાષા છે. તે કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે.
આવતીકાલે તમામ ઉપાશ્રયોમાં લગભગ બપોરે 3 કલાકે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવામાં આવે છે. આ લગભગ 3 કલાકની વિધિ હોય છે. તમામ જૈન પુરા ઉલ્લાસથી આ વિધિ કરે છે.