લોગવિચાર :
આપણી નદીઓ પ્લાસ્ટિકથી ભરેલી છે. મહારાષ્ટ્રનાં થાણે, રાયગઢ અને પુણેમાંથી વહેતી ઉલ્હાસ નદીમાંથી ટનો પ્લાસ્ટિક વહીને અરબી સમુદ્રમાં જાય છે. પ્લાસ્ટિક કચરો વહન કરતી વિશ્વની ટોચની 5 નદીઓમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકસિત દેશોની સંસ્થા ઓઈસીડી અનુસાર, વિશ્વની 50 નદીઓમાં સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો છે, તેમાંથી 44 નદીઓ એશિયામાં આવેલી છે.
ઓઈસીડીનો અહેવાલ સૂચવે છે કે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો 2060 સુધીમાં પ્લાસ્ટિકનો કચરો લગભગ બમણો થઈ શકે છે. મહાસાગરોમાં પહોંચતાં પ્લાસ્ટિકના કચરાના 80 ટકા માટે માત્ર 1000 નદીઓ જવાબદાર છે, જ્યારે બાકીનો 30000 અન્ય નદીઓમાંથી આવે છે.
મહાસાગરોમાં પ્લાસ્ટિક પહોંચાડતી 50 મોટી નદીઓમાંથી ટોચની 44 નદીઓ એશિયામાં છે, જ્યાં વસ્તીની ગીચતા અને કચરાનાં વ્યવસ્થાપનના અભાવને કારણે હજારો ટન પ્લાસ્ટિક નદીઓમાં ઠલવાય છે. ફિલિપાઈન્સ સમુદ્રમાં સૌથી વધુ પ્લાસ્ટિક છોડે છે. તેની પેસિગ નદી સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો સમુદ્રમાં પહોંચાડે છે.
અમેરિકા, યુકે, કેનેડા જેવાં યુરોપિયન દેશો એશિયામાં પોતનો કચરો મોકલે છે અને એશિયામાં તે કચરાને નદીઓમાં ઠાલવવા આવે છે, ફિલીપાઇન્સ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, બાંગલાદેશ વગેરે જેવાં દેશોમાં યુરોપિયન દેશોનાં ડિપિંગયાર્ડ આવેલાં છે. આ ડિપિંગયાર્ડ ખરેખર યુરોપિયન ફેકટરીઓ છે જે ડાયરેક્ટ નદીઓમાં પોતનો કચરો ઠાલવે છે
બીબીસી રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયામાં અમુક જીન્સ અને કપડાં બનાવતી ફેક્ટરી છે જે નદીઓમાં પોતાનું ગંદું પાણી છોડે છે અને ભ્રષ્ટાચારના કારણે તેનાં પર કોઈ મોટા પગલાં લેવામાં આવતાં નથી. એક રિપોર્ટ અનુસાર નોર્થ ચાઈનામાં પણ પાણી પ્રદુષણ ખૂબ જ વધી ગયું છે અને મોટાભાગની એશિયાની નદીઓમાં પાણી કાળાં રંગનું થઈ ગયું છે.
ફિલિપાઇન્સ અને મલેશિયાની નદીઓ સાથે ભારતની ઉલ્હાસ નદીને મહાસાગરોમાં સૌથી વધુ પ્લાસ્ટિક કચરો વહન કરતી ટોચની 5 નદીઓમાં સામેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના થાણે, રાયગઢ અને પુણે જિલ્લામાંથી વહેતી ઉલ્હાસ નદી પશ્ચિમ ઘાટ પર અરબી સમુદ્રમાં જોડાય છે.
અહેવાલ દર્શાવે છે કે 1950 થી 2019 ની વચ્ચે 140 મિલિયન ટન પ્લાસ્ટિક જળાશયોમાં એકઠું થયું છે, જેમાંથી 22 ટકા મહાસાગરોમાં અને 78 ટકા તાજા પાણીના સ્ત્રોતોમાં જોવા મળે છે. પ્લાસ્ટિકનું ખુલ્લું સળગવું અને ગેરકાયદે ડમ્પિંગ કરવું એ પાણીમાં પ્લાસ્ટિક પ્રદૂષણનાં મુખ્ય કારણો છે. આ ઉપરાંત બોટલો અને ખાવાની વસ્તુઓના પ્લાસ્ટિક પેકજ મુખ્યત્વે નદીઓ અને તળાવોમાં જાય છે.
પ્લાસ્ટિકનાં મોટાં ટુકડાઓ ધીમે ધીમે તૂટીને નાનાં ટુકડાઓ થઈ જાય છે અને આ માઇક્રોપ્લાસ્ટિક્સ બની જાય છે. નદીઓમાં આ માઇક્રોપ્લાસ્ટિક્સ બનતાં જ 30 થી 40 વર્ષ લાગે છે પછી આ માઇક્રોપ્લાસ્ટિક્સનું સંપૂર્ણ વિઘટન થતાં હજારો વર્ષ લાગી જાય છે.
માઈક્રોપ્લાસ્ટિક જળચર જીવોની અંદર પહોંચી જાય છે અને છેલ્લે જળચર પ્રાણીઓનું મૃત્યુ થઈ શકે છે એક અભ્યાસ મુજબ, સમુદ્રનાં પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક્સના પ્રતિ ઘન મીટર 2.76 કણો હોય છે. વિશ્વનાં દેશો 2024 માં 31,53,813 ટન માઈક્રોપ્લાસ્ટિક નદીઓમાં છોડશે જેમાં ભારતનો હિસ્સો 3,91,879 ટનનો હશે. એવો અંદાજ છે કે વૈશ્વિક પ્લાસ્ટિકનો ઉપયોગ 2060 સુધીમાં દર વર્ષે 1231 મિલિયન ટન સુધી પહોંચી શકે છે, સમુદ્રમાં 80 ટકા પ્લાસ્ટિક કચરો ફેલાવવા માટે ટોચના 5 દેશો જવાબદાર છે, જેમાં ચીન, ભારત, થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ છે આ ઉપરાંત સબ-સહારા,આફ્રિકા, ઈજીપ્ત અને અન્ય વિકાસશીલ દેશોનો ફાળો સૌથી વધારે છે.
આઇ ફોરેસ્ટના સીઈઓ ચંદ્રભૂષણે જણાવ્યું હતું કે વિશ્વમાં માત્ર 10 ટકા પ્લાસ્ટિકને જ રિસાયકલ કરવામાં આવે છે. સમુદ્રમાં જેટલી માછલીઓ છે તેનાં કરતાં વધારે પ્લાસ્ટિક રહેલું છે. નીતિ નિર્માતાઓ માત્ર એટલું જ કહે છે કે તેઓ રિસાયકલ કરશે, પરંતુ એવું થતું નથી. પ્લાસ્ટિક હંમેશાં નદીઓ અને જમીન પર ફેંકવામાં આવે છે.
દર વર્ષે આ દેશો કેટલો કચરો ઉત્પન્ન કરે છે
♦ ચીન...6 કરોડ ટન
♦ અમેરિકા...4.2 કરોડ ટન
♦ ભારત... 94.6 લાખ ટન
♦ બ્રાઝિલ... 1.13 કરોડ ટન
♦ જાપાન... 9 લાખ ટન