UPI માં રૂ. 2000 થી વધુની ચુકવણી પર 18% GST લાદવાની તૈયારી

લોગ વિચાર.કોમ

દેશમાં ડીઝીટલ પેમેન્ટ માટે અત્યંત લોકપ્રિય તેવા યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમમાં હવે રૂા.2000 કે તેથી વધુનું ડીઝીટલ પેમેન્ટ મોંઘુ પડે તેવા સંકેત છે. સરકારે હવે આ પ્રકારના પેમેન્ટ પર જીએસટી વસુલવાની તૈયારી કરી છે અને તેનાથી સરકાર મોટી આવક મેળવવા પણ માંગે છે.

નાણામંત્રાલય દ્વારા આ અંગે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને તે વ્યક્તિગત પેમેન્ટ ઉપરાંત વ્યાપારી પેમેન્ટમાં પણ લાગુ થશે અને તે અન્ય ડીઝીટલ સેવાઓને જે રીતે 18 ટકાના સ્લેબ હેઠળ આવરી લેવાયા છે તે જ પ્રકારે યુપીઆઈ મારફત રૂા.2000 થી વધુના પેમેન્ટ પર 18 ટકા જીએસટી લાગુ કરવા સરકાર તૈયારી કરી રહી છે.

જેના કારણે આ પ્રકારના પેમેન્ટ મારફત મની લોન્ડ્રીંગ જેવી સ્થિતિ પણ સર્જાઈ છે તે ટાળી શકાશે. સરકાર પહેલા આ 18 ટકા જીએસટી વ્યાપારી પેમેન્ટમાં જ લાગુ કરે તેવી શકયતા છે.

પણ માનવામાં આવે છે કે, સરકાર સમક્ષ રૂા.2000 થી ઉપરના તમામ પેમેન્ટમાં તેનો અમલ કરવા માટે કહેવાય શકે છે જેના કારણે રૂા.1999 સુધીના પેમેન્ટને જ જીએસટીમાંથી બાદ મળશે.

જો કે આ પ્રકારે 18 ટકા જેવો ઉંચો જીએસટી લાદવામાં આવે તો તેને વ્યાપાર પર મોટી અસર થઈ શકે છે. રૂા.10 હજારના પેમેન્ટ પર 18 ટકા જીએસટી એટલે રૂા.1800નો જીએસટી લાગે તે વ્યાપારી વર્ગ માટે કોઈ રીતે સ્વીકાર્ય બને નહી અને ડીઝીટલ પેમેન્ટ વ્યવસ્થાના બદલે ફરી એક વખત રોકડનો વ્યવહાર શરુ થઈ જાય તે પણ શકય છે.

UPI માં વધુ 20થી30 કરોડ લોકોને જોડવાનો સરકારનો લક્ષ્યાંક
અન્ય દેશોમાં પણ ભારતની આ પેમેન્ટ સીસ્ટમ વધુ સ્વીકાર્ય બને તે જોવાશે
નવી દિલ્હી તા.15
દેશમાં એક તરફ યુપીઆઈની સિસ્ટમ લોકપ્રિય બની રહી છે તે વચ્ચે હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેમાં વધુ 20થી30 કરોડ ભારતીયો જોડાય તે માટે તૈયારી કરી રહી છે. સરકાર ડીઝીટલ વ્યવહારો મારફત રોકડ વ્યવસ્થાને મર્યાદીત કરવા માંગે છે અને તેથી જ ચોકકસ પ્રકારના પેમેન્ટ પર સરકાર ખાસ પ્રોત્સાહન આપશે.

ખાસ કરીને ઘરેલુ નોકર-ચાકરના પેમેન્ટ કે બાળકો સંબંધી થતા પેમેન્ટમાં આ પ્રકારે પ્રોત્સાહન મળી શકે છે અને તેના કારણે વધુ ભારતીયો તેમાં જોડાશે. સરકારે આ ઉપરાંત કયુઆર કોડ મારફત જે પેમેન્ટ થાય છે તેમાં પણ 5 લાખ સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ ન લેવા માટે દરખાસ્ત કરી છે.

વિશ્વના આ પ્રકારના વ્યવહારોમાં ભારતનો હિસ્સો 46% છે એટલું જ નહી યુપીઆઈને વૈશ્વિક પેમેન્ટ મોડ તરીકે પણ સ્વીકાર્ય બને તે જોવામાં આવી રહ્યું છે અને વધુમાં વધુ દેશો ભારતની યુપીઆઈ પેમેન્ટ વ્યવસ્થાને સ્વીકારે તે પણ જોવાશે.