લોગવિચાર :
આંતરરાષ્ટ્રીય સ્ટાર પ્રિયંકા ચોપરા હોલીવુડમાં ઘણાં પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, પરંતુ તેનાં ભારતીય ચાહકો પણ અભિનેત્રીની બોલિવૂડ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. લાંબાં સમયથી એવી ચર્ચા હતી કે, પ્રિયંકા ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તરની ફિલ્મ ’જી લે ઝરા’માં જોવા મળશે.
પરંતુ ફિલ્મ હજુ પણ અવઢવમાં છે અને આ ફિલ્મમાં શું પ્રગતિ થઈ છે તે અંગે વધુ માહિતી બહાર આવી નથી. આવી સ્થિતિમાં, ચાહકો માની રહ્યાં હતાં કે પ્રિયંકા કોઈ હિન્દી ફિલ્મમાં જોવા નહીં મળે, પરંતુ હવે તેમની રાહનો અંત આવવાનો છે.
પ્રિયંકા ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે. આ અંગેની માહિતી ખુદ પ્રિયંકાએ શેર કરી છે. પ્રિયંકાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે આવતાં વર્ષે બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે.
અભિનેત્રીએ કહ્યું, ’હું મજાક નથી કરી રહી. હું અહીં ઘણાં ફિલ્મ નિર્માતાઓને મળું છું. હું સ્ક્રિપ્ટો વાંચી રહી છું. હું કંઈક એવું શોધી રહી છું જે મારે હિન્દીમાં કરવું છે. આ વર્ષ મારાં માટે ખરેખર ખૂબ વ્યસ્ત રહ્યું છે.
જ્યારે પ્રિયંકાને ’જી લે જરા’ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ’તમારે તેનાં વિશે પ્રોડક્શન હાઉસ સાથે વાત કરવી પડશે. જોકે પ્રિયંકાએ તેનાં બોલિવૂડ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી શેર કરી નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે તે પોતે હિન્દી ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા પાસે એક પછી એક હોલીવુડના ઘણાં પ્રોજેક્ટ છે. અભિનેત્રી વર્ષ 2019 માં ’ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. તેની આગામી હિન્દી ફિલ્મ ’જી લે જરા’ ઘણાં સમયથી અટવાયેલી છે.
હોલીવુડ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, અભિનેત્રી આગામી દિવસોમાં ’હેડ્સ ઓફ સ્ટેટ’ અને ’ધ બ્લફ’માં જોવા મળશે. તે વેબ સિરીઝ ’સિટાડેલ 2’માં પણ જોવા મળશે, જેનું શૂટિંગ ઘણાં સમયથી ચાલી રહ્યું છે.