ઉત્તર પ્રદેશના એક ગામમાં એક ઘરની ઉપર રાફેલ વિમાન તૈનાત

લોગ વિચાર.કોમ

વારાણસી પાસેના કચનાર ગામમાં ગામની મુખિયા ઊર્મિલા પટેલના બંગલાની છત પર રફાલ વિમાનનું મૉડલ મૂક્યું છે. એ જોવા માટે આસપાસના ગામના લોકો પણ ઊમટી રહ્યા છે.
પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાએ તૈયારીઓ તેજ કરી દીધી છે અને સેના અલર્ટ મોડ પર છે ત્યારે શુક્રવારે ઉત્તર પ્રદેશના ગંગા એક્સપ્રેસવે પર રફાલ ફાઇટર જેટ, સુખોઈ અને મિરાજ વિમાનોનું શક્તિપ્રદર્શન થયું હતું. એ વિસ્તારમાં ફાઇટર જેટના અભ્યાસ પછી વારાણસી પાસેના કચનાર ગામનાં પ્રધાન ઊર્મિલા પટેલના ઘર પર આવેલું રફાલ વિમાન પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયું હતું. આમ તો આ મૉડલ ૨૦૨૧માં ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું છે એમ જણાવતાં ઊર્મિલા પટેલ કહે છે, ‘આ ફાઇટર જેટનું મૉડલ છત પર બનાવવાનો વિચાર મારા સ્વર્ગીય પતિ વિજય પટેલનો હતો. તેમણે દેશપ્રેમની અભિવ્યક્તિરૂપે આ કરેલું. ભારતમાં જ્યારે આ ફાઇટર જેટ આવ્યાં ત્યારે ગામના લોકો એની બહુ ચર્ચા કરી રહ્યા હતા એટલે તેમણે પાંચ લાખ રૂપિયાના ખર્ચે રફાલ ફાઇટર જેટની પ્રતિકૃતિ ઘરની ઉપર ઇન્સ્ટૉલ કરાવી હતી. ત્રણ મહિનામાં એ બનીને તૈયાર થઈ ગયું હતું. મારા ઘરની છત પર આ ફાઇટર જેટ ભારતીય સેનાના શૌર્યનું પ્રતીક છે.’