ત્રણ પ્રવાસીઓના મોત : 20 થી વધુ ઘાયલ : વ્હેલી સવારે અકસ્માત : પલટી ગયેલ ડબ્બા માલવાહક વેગન સાથે અથડાયા : તપાસના આદેશ

લોગ વિચાર :

ભારત માટે આજે દુર્ઘટનાનો દિવસ હોય તેમ વાયનાડમાં ભયાનક ભૂસ્ખલન વચ્ચે ઝારખંડમાં રેલ દુર્ઘટના સર્જાઈ હતી. હાવડા-મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી પડતા ત્રણ લોકોના મોત નિપજયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

રેલ્વે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચક્રધરપુર રેલ્વે ડિવીઝન પણ વ્હેલી સવારે પોણા ચાર વાગ્યે આ રેલ્વે દુર્ઘટના સર્જાઈ હતી. ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને મોટાપાયે રાહત બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે રાજખારસવાન અને બડામ્બો વચ્ચે આ રેલ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ તથા રેલ્વેનો કાફલો અને અન્ય રાહત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત ટ્રેન અને વહીવટીતંત્રની તમામ એમ્બ્યુલન્સને પણ દુર્ઘટના સ્થળે તહેનાત કરી દેવામાં આવી હતી.

આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેઓને ચક્રધરપુરાના રેલ્વે હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રેલ્વેમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોએ ઘટનાની વિગતો વર્ણવતા કહ્યું કે પરોઢીયે અચાનક જોરદાર અવાજ આવ્યો હતો અને પાંચ સેક્ધડમાં જ ધડાધડ ડબ્બા પાટા પરથી ઉતરવા લાગ્યા હતા. મુસાફરો ડબ્બામાં જ ફંગોળાયા હતા અને તેના હિસાબે ઘાયલ થયા હતા.

હાવડા-મુંબઈ મેલના ડબ્બા પાટા પરથી ઉતરતા સામેના ટ્રેક પર માલગાડી સાથે અથડાયા હતા. આ દુર્ઘટનાને પગલે રૂટ પરની અનેક ટ્રેનો રદ કરી દેવામા આવી હતી ત્યારે સંખ્યાબંધ ટ્રેનોને ડાયવર્ટ અથવા શોર્ટ ટર્મીનેટ કરવામાં આવી હતી. દુર્ઘટનાના કારણ માટે રેલ્વે દ્વારા તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે. રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ દ્વારા તપાસ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.