લોગ વિચાર :
રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તા.25ના શનિવારે બપોર બાદ સર્જાયેલા અગ્નિકાંડના પડઘા પૂરા ગુજરાતમાં પડયા છે. નવથી વધુ બાળકો સહિત 28થી વધુ લોકો આ આગમાં એટલી હદે ભડથુ થઇને મૃત્યુ પામ્યા કે તેમની ઓળખાણ માટે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરવી પડી છે.
આ કરૂણ ઘટનાએ વધુ એક વખત રાજય સરકારની સિસ્ટમ, મહાપાલિકા, પોલીસ, કલેકટર, વીજ તંત્ર સહિતના વિભાગોની ઘોર બેદરકારી અને નિયમના પાલનમાં ઉપેક્ષાને ખુલ્લી પાડી દીધી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આવી અર્ધો ડઝન જેટલી ઘટના બની છે. પરંતુ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેવી કોઇ ગેરંટી સરકારની તપાસ કે પોલીસની કાર્યવાહી આપી શકી નથી ત્યારે આવા પરિવારજનોની ‘હાય’થી પણ કર્તાહર્તાઓએ ડરવાનો વખત આવી ગયો છે.
રાજયમાં 2019માં સુરતમાં આવેલા તક્ષશીલા બિલ્ડીંગમાં કોચિંગ કલાસમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓ સહિત રરના મૃત્યુ થયા હતા. બિલ્ડીંગ ઉપરથી જીવ બચાવવા છાત્રો કૂદતા જોવા મળ્યા હતા. ર0રરમાં દિવાળી બાદ મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ મચ્છુ નદીમાં ખાબકતા 141 જીવ ગયા હતા. જાન્યુઆરી મહિનામાં જ વડોદરા નજીકના જ હરણી તળાવમાં શાળાના વિદ્યાર્થીઓની પીકનીક બોટ ડૂબતા 12 બાળકો અને બે શિક્ષકના મૃત્યુ થયા હતા.
2020માં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગથી 8 લોકોના મોત નિપજયા હતા. કોરોના કાળમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના દર્દી ભડથુ થઇ ગયાની ઘટના બની હતી. પાંચ વર્ષમાં આટલી ઘટના છતાં જાહેર સ્થળો, મોલ, કોમ્પ્લેક્ષ, થિયેટર, રાજકોટ જેવા ગેમ ઝોનમાં સલામતીના પગલા કે નિયમોની અમલવારી માટે કાગળ પર પણ કડક કાર્યવાહી ચાલતી હોવાનું લાગ્યું નથી. તેનો સૌથી મોટો પુરાવો પુરા રાજયને હચમચાવનારો ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ છે.
રાજય સરકારે ગઇકાલની કરૂણ દુર્ઘટના બાદ તુરંત ‘સીટ’ની રચના કરી છે. અધિકારીઓએ રાજકોટ આવીને તપાસ પણ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં શરૂ થયેલી તપાસનો રીપોર્ટ હવે જયારે આવે ત્યારે, પરંતુ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને કોઇ જવાબદારને છોડવામાં નહીં આવે તેવી કરેલી જાહેરાત અગાઉની જેમ જ પાણીમાં ડૂબી ન જાય કે આગમાં ભસ્મ ન થઇ જાય તેવી અપેક્ષા માત્ર રાજકોટ નહીં પરંતુ પુરા ગુજરાતની જનતાની છે.
ગેમ ઝોનમાં બાળકો અને મોટેરાને જે રીતનું મોત મળ્યું તેના માટે આ પરિવારો તો જવાબદાર ન જ હતા. પરંતુ હવે ચાલી રહેલી તપાસમાં જે રીતે ફાયર, મનોરંજન, લાયસન્સ, વિજ કનેકશન, જમીન પર ફેબ્રીકેશન જેવા બાંધકામમાં નિયમોનો કચ્ચરઘાણ કાઢી નાખવાથી જ આ દુર્ઘટના બની છે તેવું ચોકકસ લાગે છે. જયારે જયારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવી કરૂણાંતિકા સર્જાય છે ત્યારે સરકાર તપાસ કરાવે છે.. તપાસ સમિતિઓ બને છે.. પરંતુ પરિવારોને ન્યાય મળવાનું તો ઠીક, બેજવાબદાર તંત્રના અધિકારીઓ સામે સબકરૂપ પગલા લેવાયા હોય તેવું કયારેય બનતું નથી. જેમની બેદરકારી ન હોય તેમને બલીના બકરા ન બનાવવામાં આવે, પરંતુ જેમની જવાબદારી હોય તેવા અધિકારીઓને છોડવામાં પણ ન આવે તે જરૂરી છે.
આ કેસમાં સરકાર એવી દાખલારૂપ કાર્યવાહી કરે કે આંખ આડા કાન કરનારા, મીઠી નજર રાખનારા કે પ્રજાના કરવેરાની આવકમાંથી પગાર લઇને પ્રમાણિકતાથી ફરજ નહીં બજાવનારા ધ્રુજી ઉઠવા જોઇએ. લોકોની અવરજવરવાળા જાહેર સ્થળે સલામતીમાં બેદરકારી કયારેય ચલાવી શકાય નહીં. સરકાર બધુ જાણે જ છે. સિસ્ટમ સાથે જોડાયેલા અધિકારીઓને બધી ખબર છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓના મોઢા સિવાઇ ગયા છે. તપાસ થશે અને પગલા લેવાશે તેવા ફિલ્મી ડાયલોગ બોલીને અર્ધ સત્ય ઓકતા હોય તેવું લાગે છે. આ સ્થિતિમાં હવે સરકારની આબરૂનો સવાલ આવીને ઉભો થઇ ગયો છે. એટલે જ તાબડતોબ ઉચ્ચ અધિકારીઓની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવીને તપાસ શરૂ કરાવી છે. આ ટીમ માત્ર ઘટનાની અને તેના કારણોની તપાસ કરીને ચાલી ન જાય અને લાગુ વિભાગના અધિકારીઓની ભૂમિકા પણ ચકાસે તે જરૂરી છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી આ છ દુર્ઘટના સિવાય પણ ઘણા કરૂણ બનાવો બન્યા છે. અદાલત સુધી કેસ ગયા છે. આ ઘટનામાં પણ સુઓમોટો દાખલ થઇ છે. પરંતુ સરકાર કક્ષાએ દાખલો બેસે અને જવાબદારોને સજા થાય એવી કાર્યવાહી જનતા રાખે છે. જો આવી ઘટનામાં હતભાગીઓને ન્યાય ન મળે અને પગલા ન લેવાય તો ચૂંટણીઓ પર રાજકીય પક્ષોના ઉમેદવારો કે નેતાઓને મત માંગવા આવવાનો અધિકાર નથી તે પણ કાયમ માટે યાદ રાખવા જેવી વાત છે.