લોગ વિચાર :
કબૂતર પાળવાના શોખીનો અને તેની પાસે વધુ સમય રહેતા લોકો માટે એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલને દાવો કર્યો છે કે, જો તમે લાંબા સમય સુધી કબૂતરોની વચ્ચે રહો છો, તો તમને ફંગલ બેસ્ટ ઈન્ફેક્શન થવાની સંભાવના અનેક ઘણી વધી જાય છે. દેશમાં પ્રથમવાર ૧૧ વર્ષના બાળકમાં આ ઈન્ફેક્શન ફેલાતા ડોક્ટરો પણ હેરાન છે. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા ચેતવણી સમાન રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
તાજેતરમાં જ આ ઈન્ફેક્શનથી પીડિત દર્દી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થયો છે, જેની ઉંમર લગભગ ૧૧ વર્ષની છે. જયારે ડોક્ટરોએ દર્દીની પ્રાથમિક તપાસ કરી ત્યારે કોમન ઈન્ફેક્શન જેવું લાગતું હતું, પરંતુ વધુ સારવાર કરાઈ ત્યારે ધ્યાને આવ્યું કે, આ કોઈ ગંભીર લક્ષણ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, દર્દી કબૂતરો પાસે સૌથી વધુ રહેતો હતો. દર્દી કબૂતરોની પાંખમાંથી ઉડતી ફંગલના સકંજામાં આવવાના કારણે બિમાર થયો છે.
ડોક્ટરોએ કહ્યું કે, જયારે દર્દી ફંગલ ઈન્ફેક્શનનો શિકાર બન્યો, ત્યારે તેને સામાન્ય ઈન્ફેક્શન થયું હતું. જોકે થોડા દિવસ બાદ ઈન્ફેક્શન તેની છાતી સહિત અન્ય ભાગોમાં અને ખાસ કરીને ફેફસાંમાં ખરાબ રીતે ફેલાઈ ગયું. જયારે તેની વધુ તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
દર્દીની તપાસ કર્યા બાદ ડોક્ટરોને ચોંકાવનારી બાબત જાણવા મળી છે. જો કોઈ વ્યક્તિ ફંગલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવે, તો તે થોડા જ દિવસોમાં વધુ બિમાર પડે છે. દર્દીના રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, આખા ફેફસાંમાં આ ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ બિમારીને હાઈપર સેંસિટિવ ન્યોમોનિસ્ટના નામથી ઓળખવામાં આવે છે. આ રોગ કબૂતરોના પાંખ અને મળથી નિકળતા ફંગલના કારણે ફેલાય છે.
અત્યાર સુધીમાં આ બિમારી માત્ર પુખ્ત લોકોમાં જ ફેલાતી હતી, જોકે ૧૧ વર્ષના બાળકમાં ફંગલ ફેલાવાની ઘટના પ્રથમવાર બની છે. ૧૧ વર્ષના બાળકનાં ફેફસાંમાં ઈન્ફેક્શન મળી આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા છે. બાળકોમાં આવી બિમારી દુર્લભ બિમારીઓમાંથી એક છે. આ બિમારી ૧૦ લાખ બાળકોમાંથી ચાર બાળકોને થાય છે.