લોગ વિચાર :
દેશમાં ફુગાવાની ઉંચી સ્થિતિના કારણે ભાવ વધારો લોકોને પરેશાન કરી રહ્યો છે અને ખાસ કરીને કિરાણા તથા પરિવારની સામાન્ય વપરાશની ચીજોમાં વારંવાર ભાવ વધારો એ ગ્રાહકોને મુશ્કેલીમાં મુકે છે તેની ફરી એક વખત કંપનીઓએ હવે ભાવ વધારા સાથે તેના ઉત્પાદનના પેકીંગ નાના બનાવવાની શરુઆત કરીને વધેલા ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા કોશિષ કરી છે.
સાબુ, ચા ઉપરાંત સ્નેક્સ કેટેગરીમાં આવતા ખાધ્ય પદાર્થના ભાવમાં એકંદરે એક વર્ષમાં 30 ટકા જેટલો વધારો કરવો પડે તેવી સ્થિતિ છે. ખાસ કરીને પામ ઓઇલના વધેલા ભાવ એ કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા છે પરંતુ હિન્દુસ્તાન લીવર, ગોદરેજ, આઇટીસી અને અન્ય કંપનીઓએ પુરેપુરો ભાવ વધારો ગ્રાહક ઉપર લાદવાના બદલે પેકીંગ નાના કરીને થોડો ભાવ વધારો કરીને તેનું ગણિત યોગ્ય કરવા પ્રયાસ કર્યો છે.
ટાટા ક્ન્ઝયુમર અને બીકાજીએ પણ આ પધ્ધતિ અપનાવી છે. બીસ્કીટ અને તેવા પેકમાં 10 ગ્રામ સુધી વજન ઘટાડીને કંપની ગ્રાહકને ઝડપથી ખ્યાલ ન આવે તે રીતે હવે ઉત્પાદનને બજારમાં મુકી રહ્યા છે.
500 ગ્રામની ચાનું પેકેટ 450 ગ્રામનું થઇ ગયું છે. એક કિલોમાં 900 ગ્રામ જેટલો ચા અને અન્ય પ્રોડક્ટ મળે છે. સાબુમાં પણ વજન ઘટાડાયું છે. રૂા.5 અને 10ના પેકમાં થોડુ વજન ઘટાડીને કંપનીઓ તેના વેચાણને અસર ન થાય તે જોવા માંગે છે.