RSSના 3 વર્ષ જૂના કેસમાં જાવેદ અખ્તરને રાહત

લોગવિચાર :

હિન્દી સિનેમાનાં પ્રખ્યાત ગીતકાર, જાવેદ અખ્તર તેમનાં નિવેદનો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે, જેનાં કારણે તેઓ ખૂબ ટ્રોલ થાય છે. ત્રણ વર્ષ પહેલાં તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને આવું નિવેદન આપ્યું હતું, જે બાદ તેમને ટ્રોલિંગની સાથે કાયદાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

સંઘ સાથે જોડાયેલાં એક વકીલે તેમની સામે કેસ દાખલ કર્યો હતો. હવે સમાચાર આવી રહ્યાં છે કે, વકીલે પોતાનો કેસ પાછો ખેંચી લીધો છે. હકીકતમાં, 2021 માં જાવેદ અખ્તરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી હતી.

હવે તેને આ મામલે મોટી રાહત મળી છે. આરએસએસ સાથે જોડાયેલાં વકીલ સંતોષ દુબેએ આ મામલામાં પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. આ પછી કોર્ટે જાવેદ અખ્તરને નિર્દોષ જાહેર કર્યા હતાં.

આ મામલો 2021માં જાવેદ અખ્તરનાં એક ઈન્ટરવ્યુ સાથે જોડાયેલો છે, જેમાં તેણે આરએસએસ અને તાલિબાન વચ્ચે સમાનતા પર ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાદ તેની સામે ઘણાં કેસ નોંધવામાં આવ્યાં હતાં.

સંઘ સાથે જોડાયેલાં એડવોકેટ સંતોષ દુબેએ 2021માં આપેલાં આ નિવેદનને લઈને જાવેદ અખ્તરને નોટિસ મોકલી હતી. તેણે અખ્તર પાસેથી બિનશરતી માફી માંગવા અને પોતાનું નિવેદન પાછું ખેંચવાની માંગ કરી હતી.  વકીલે વળતર તરીકે 100 કરોડ રૂપિયાની પણ માંગણી કરી હતી.

જાવેદ અખ્તરનાં ઇનકાર બાદ દુબેએ મુંબઈની મુલુંડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટમાં અનેક સુનાવણી બાદ 8 નવેમ્બર 2024ના રોજ આ મામલો સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો છે.

એડવોકેટ સંતોષ દુબેએ કોર્ટમાં જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી દ્વારા વિવાદ ઉકેલાઈ ગયો છે અને તેમણે તેમની ફરિયાદ પાછી ખેંચી છે. આ બાદ મેજિસ્ટ્રેટે કેસ રદ કર્યો અને જાવેદ અખ્તરને નિર્દોષ જાહેર કર્યા હતાં.