લોગ વિચાર :
ટેલીવીઝનનાં નાના પડદાથી દુર રહેવાનું પસંદ કરતાં ફિલ્મ સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કરવામાં ખચકાટ અનુભવતા નથી. આ યાદીમાં હવે રીતેશ દેશમુખ (Ritesh Deshmukh)નો પણ સમાવેશ થયો છે.
હે બેબી, ટોટલ ધમાલ, અને એક વિલન જેવી અનેક યાદગાર ફિલ્મોમાં મહત્વનો રોલ કરનાર રીતેશ ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કર્યું છે. તેમની પહેલી વેબ સીરીઝ પિલ 12 જુલાઈથી સ્ટ્રીમ થવાની છે. જેમાં ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝમાં ચાલતા ગોરખધંધાની પોલ ખોલવામાં આવશે.
રીતેશની પહેલી વેબ સીરીઝ જીયો સિનેમા પર સ્ટ્રીમ થવાની છે. તેનું મોશન પોસ્ટર તાજેતરમાં શેર કરવામાં આવ્યુ હતું. આ પોસ્ટરમાં રીતેશનાં કેરેકટર અને સ્ટોરીની ઝલક જોવા મળે છે.
ફાર્માસ્યુટીકલ સેકટરમાં ચાલતા ગોરખધંધા તથા અનૈતિક કામગીરીઓની પોલ ખોલવા માંગતા વ્હીસલ બ્લોઅરનો રોલ રીતેશ કર્યો છે.રોની સ્ક્રુવાલાનાં પ્રોડકશન હાઉસે બનાવેલી આ સીરીઝમાં સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ જોવા મળશે.
રીતેશ દેશમુખ છેલ્લે મરાઠી ફીલ્મ વેદમાં જોવા મળ્યા હતા. પિલ ઉપરાંત અજય દેવગન સાથે રેઈડમાં પણ રિતેશ દેશમુખ છે. સોનાક્ષીસિંહા સાથેની કાકુડામાં રીતેશનો મહત્વનો રોલ છે. આ ફીલ્મ 12 જુલાઈએ ઝી-5 પર રીલીઝ થવાની છે. અક્ષયકુમાર અને અભિષેક બચ્ચન સાથે હાઉસફુલ 5 માં પણ રીતેશ નકકી હોવાનું કહેવાય છે.