લોગવિચાર :
ભારતના બજારોમાં છેલ્લા કેટલાક સમયથી નાની ચલણી નોટો ગાયબ થઈ રહી છે. રૂા.10, રૂા.20 અને રૂા.50ની નોટોની અછતના કારણે શહેરી જ નહીં, ગ્રામીણ વસ્તી પણ પરેશાન થઈ રહી છે. ગરીબો પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ બાબતે લોકસભામાં કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીે રજૂઆત કરી છે.
તેમણે પત્રમાં જણાવ્યુ હતુ કે અનેક રીપોર્ટોથી જાણવા મળ્યુ છે કે કેન્દ્રીય બેન્ક રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાની નોટો છાપવાનુ બંધ કર્યું છે. તેની પાછળનું કારણ યુપીઆઈ અને કેશલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવાનુ જણાવાઈ રહ્યુ છે.
ગામડાના લોકોને પડી રહી છે તકલીફ: મણિકમે જણાવ્યુ હતુ કે ડીઝીટલ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવાની વાત તો સમજમાં આવે છે પણ તેથી નાની નોટો બંધ કરી દેવી ઠીક નથી. આથી દરરોજ નોટોથી પેમેન્ટ કરનારને પરેશાની ઉઠાવવી પડે છે. નાનુ પેમેન્ટ કરનારાઓને તકલીફ પડે છે, કે જેઓ ડીઝીટલ પેમેન્ટ નથી કરી શકતા. ખાસ કરીને ગામડાના લોકોને વધુ તકલીફ પડે છે.
કોંગ્રેસ નેતાએ નાણામંત્રીને માગ કરી છે કે તેઓ આરબીઆઈને નાની નોટો ફરીથી છાપવાનો નિર્દેશ કરે. મણિકમે ગામડામાં ડીઝીટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પર જોર દેવાની વાત કરી છે. રોજમદાર રેંકડી ચલાવનાર નાની કેશ પર નિર્ભર હોય છે. તેમને મુસીબતોનો સામનો કરવો પડે છે.