લોગ વિચાર :
સલમાન ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાને કેસરી રંગના પટ્ટાવાળી ઘડિયાળ પહેરી છે જેનું ડાયલ રામ મંદિરની થીમ પર બન્યું છે.
હાલમાં જ સોશ્યલ મીડિયા પર સલમાનની કેટલીક તસવીરો પોસ્ટ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સલમાનની આ તસવીરોમાં તેણે પહેરેલી ઘડિયાળ ચર્ચાનો મુદ્દો બની છે.
ખાસ વાત તો એ છે કે, સલમાને પહેરેલી આ ઘડિયાળ ‘રામ જન્મભૂમિ’ સ્પેશ્યલ એડિશનની ઘડિયાળ છે જેની કિંમત 34 લાખ રૂપિયા છે. આ તસવીર સાથે સલમાને કેપ્શન લખી છે કે ‘આ ઈદ પર મળીએ સિનેમાઘરોમાં’. નોંધનીય છે કે આ દિવસે સલમાનની ફિલ્મ ‘સિકંદર’ રિલીઝ થવાની છે.
આ ઘડિયાળના ડાયલ પર પ્રભુ શ્રીરામની નાનકડી તસવીર છે જેનાં ચરણમાં હનુમાનજીને બેઠેલા દર્શાવાયા છે. ઘડિયાળના ડાયલમાં અયોધ્યામાં બનેલા રામ મંદિરની નાનકડી આકૃતિ પણ છે તેમ જ ડાયલના બહારના હિસ્સા પર સફેદ રંગથી ‘જય શ્રીરામ’ લખેલું છે.