લોગવિચાર :
સલમાનખાન સાથે નામ જોડાય તે બ્રાન્ડ માટે લોકોની ઉત્સુકતા વધી જતી હોય છે. સલમાને લકઝરી બ્રાન્ડ માટેની ચોઈસને કરોડો રૂપિયાની ઘડીયાળ સાથે શેર કરી હતી. પોતાના કાંડા પર ઘડીયાળ બતાવી રહેલા સલમાનનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘડીયાળની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે રૂા.167 કરોડ હોવાનુ કહેવાય છે.
જાણીતા જવેલર જેકોબ અરબો દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. લકઝરી વોચ અને જવેલરી બ્રાન્ડના સ્થાપક અરબોએ અદભૂત અને અત્યંત કિમતી ટાઈમપીસ સલમાનના કાંડે મૂકયો હતો.
તેમણે પોસ્ટમાં જણાવ્યુ હતુ કે, હું મારી બિલિયોનર કોઈને ટ્રાય કરવા દેતો નથી, પરંતુ સલમાનખાનને તેમા અપવાદ રાખ્યા છે. પોસ્ટમાં દેખાતી ઘડીયાળ અરબો જવેલરી બ્રાન્ડના ‘બિલિયોનર’ કલેકશનમાં આવે છે.
તેની કિંમત જાણીને જ આંખો પહોળી થઈ જાય તેમ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ મુજબ આ ઘડીયાળમાં 600 હીરા જડેલા છે અને 120 કેરેટનુ ઉમદા નિર્માણ છે. આવી ઘડીયાળ ખૂબ ઓછી બનાવવામાં આવી છે, જેથી દુનિયાના ગણતરીના લોકો પાસે જ તેનુ કલેકશન હોય અને સાચા અર્થમાં તેને બિલિયોનર ચોઈસ તરીકે સ્થાપિત કરી શકાય. વિડીયોના અંતમાં ઘડીયાળની જટીલ બનાવટને સલમાનખાન વખાણતા નજરે પડે છે.
કેટલાક લોકોનુ માનવુ છે કે, આ વિડીયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ વખતનો છે. લકઝરી વોચ મેકર પોતે પણ આ વેડિંગમાં હાજર રહ્યા હતા. વેડિંગ દરમ્યાન સલમાન સાથે તેમની મુલાકાત થઈ હતી.
સલમાનખાને આ ઘડીયાળ ખરીદી છે કે, પછી માત્ર થોડા સમય માટે પહેરી હતી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સલમાન પાસે આ ઘડીયાળ હોય તો ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, જે ઝેડ, ડેવિડ બેકહેમ જેવા જૂજ સિતારાની હરોળમાં તેઓ આવી જશે, કારણ કે તેમની પાસે અગાઉથી આ ઘડીયાળ છે.