લોગવિચાર :
જામનગરમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પુલ આવેલ છે. સ્પોર્ટસ ઓથીરીટી ઓફ ગુજરાત દ્વારા રૂ.6 કરોડના ખર્ચે ક્રીકેટ બંગલા ખાતે આવેલ ગ્રાઉન્ડમાં સ્વિમિંગ પુલ કાર્યરત કરાયો છે. જ્યાં મોટી સંખ્યામાં શિયાળામાં લોકો અહી ગરમ પાણી સાથે નહાવાની મોજ લૂંટે છે. હાલ શિયાળો હોવા છતાં પણ 200 થી 300 લોકો અહી દરરોજ સ્વિમિંગ માટે આવે છે. માત્રને માત્ર લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા શિયાળામાં આ સુવિધા લોકોને આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ગરમ પાણીની સુવિધા સાથેનો જામનગરનો આ એકમાત્ર સ્વીમીંગ પુલ છે. જામનગરમાં ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે સ્પોર્ટસ ઓથીરીટી ઓફ ગુજરાત દ્વારા ઓલ સીઝન ઇન્ડોર સ્વિમિંગ પુલ બનાવામાં આવ્યો છે. શિયાળામાં અહીં ગરમ પાણીમાં ધુબાકા મારતા લોકો મોટી સંખ્યામાં નજરે પડે છે. કારણ કે શિયાળાની ઋતુ દરમિયાન શરદી ઉધરસ સહિતના રોગની ચિંતા વધુ રહેતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે લોકો ઠંડા પાણીએ નાહવાનું ટાળતા હોય છે આથી સરકાર દ્વારા અહીં ગરમ પાણીની આધુનિક સુવિધા સાથેનો સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સ્વીમીંગ પુલમાં હીટર મશીનના માધ્યમથી પાણી ગરમ કરવામાં આવે છે. 42 એમ્પીયરવાળું હીટર મશીન ઉપયોગમાં લેવાઈ છે.જે 36 થી 48 કલાક ચાલુ રાખવામાં આવે છે. જેને લઇને પાણી 28 થી 30 ડિગ્રીએ ગરમ થાય છે. આથી ગરમ પાણીમાં સ્વીમીંગ કરી શકાય છે.
સમયની વાત કરવામાં આવે તો આ સ્વિમિંગ પૂલ સવારે છ વાગ્યાથી લઈ બપોરે 11:00 વાગ્યા સુધી ચાલુ રહે છે જ્યારે બપોરે 3 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધી ચાલે છે. આ ઉપરાંત ખેલ મહાકુંભ અને આગળ સ્વિમિંગ ની તૈયારી કરતા સાત થી 14 વર્ષના બાળકો માટે પણ અલગ વ્યવસ્થા છે જેમાં 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ભાઈઓ માટે અને 6 વાગ્યાથી લઈ 7 વાગ્યા સુધી બહેનો માટે વ્યવસ્થા છે. જેની માસિક ફ્રિ 500 રૂપિયા હોય છે.
લોકો પણ આ સુવિધાથી આકર્ષાઈ આનંદ અનુભવે છે અહીં સ્વિમિંગ પુલમાં આવતા ઝાલા યશપાલસિંહ નામના યુવાને જણાવ્યું કે હું છેલ્લા 3 માસથી અહી સ્વિમિંગ કરવા માટે આવું છુ. શિયાળામાં ખાસ સ્વિમિંગ ઠંડા પાણીમાં કરવાથી શરદી ઉધરસ સહિતના રોગની ચિંતા રહે છે પરંતુ અહીં ગરમ પાણી હોવાથી સ્વિમિંગ કરવાનો આનંદ બેવડાઈ જાય છે. સ્વીમીંગ માટે ભાઇઓ અને બહેનોના અલગ-અલગ બેચની સુવિધા છે. સ્વીમીંગ પુલની સાથે જુડો, ટેબલ ટેનીસ અને બાસ્કેટ બોલ રમતની પણ સુવિધા ઉપલબ્ધ છે.