લોગવિચાર :
સની દેઓલની આગામી ફિલ્મ લાહોર 1947 ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ વધુ એટલાં માટે છે કારણ કે આ ફિલ્મનાં નિર્માતા સુપરસ્ટાર આમિર ખાન પોતે છે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવાનાં સમાચાર આવ્યાં હતાં. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં કેટલાક સીન ઉમેરવામાં આવશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.
અહેવાલો અનુસાર, આમિરે ફિલ્મનો પહેલો કટ જોયો અને તેમાં કેટલાક ફેરફારો સૂચવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિરે આ ફેરફારો વિશે ફિલ્મનાં ડિરેક્ટર રાજકુમાર સંતોષી સાથે ચર્ચા કરી હતી. બંનેએ ફિલ્મની વિઝ્યુઅલ અને ઈમોશનલ ઈમ્પેક્ટ વધારવા માટે કેટલાક સીન ઉમેરવા સંમત થયાં છે. રિપોર્ટ્સ અનુસાર સની એક ગીત અને કેટલાક સીન શૂટ કરશે. આ શૂટિંગ 10 થી 15 દિવસ ચાલશે તેવું જાણવા મળે છે.
રિપોર્ટ્સમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, સની તેની આગામી ફિલ્મ બોર્ડર 2 ના શૂટિંગ માટે કાશ્મીર જવા રવાનાં થશે. ફિલ્મ લાહોર 1947 દેશનાં વિભાજનની કહાની છે જે તે સમયનાં લોકોની પીડા અને પરેશાનીઓને દર્શાવે છે.
ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત પ્રીતિ ઝિન્ટા પણ મહત્વનાં રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલે હાલમાં જ તેની બીજી ફિલ્મ જાટનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.