સોનાક્ષી-ઝહીર ન તો નિકાહ પઢશે, ન લગ્ન કરશે, બન્ને સિવિલ મેરેજ કરશે

લોગવિચાર :

બોલીવુડની દબંગ અભિનેત્રી સોનાક્ષી સિંહા 37 વર્ષની વયે અભિનેતા ઝાહિર ઈકબાલ સાથે લગ્નના તાંતણે બંધાવા જઈ રહી છે. બંને હિન્દુ વિધીથી લગ્ન કરશે કે પછી મુસ્લિમ રિવાજ મુજબ નિકાહ કરશે, તેના વિશે ચાલી રહેલી વિવિધ અટકળોને પૂર્ણ વિરામ આપતાં ઈકબાલના પિતા રતનસીએ બંનેના લગ્ન ક્યાં અને કેવી રીતે થશે તે અંગે માહિતી આપી છે.

રતનસીએ બંનેના લગ્ન વિશે સંપૂર્ણ પ્લાન જણાવ્યો છે. ઝાહિર ઈકબાલના પિતાએ પ્રેસ કોન્સફરન્સમાં જણાવ્યું હતું કે, બંને ન તો હિન્દુ ધર્મ મુજબ કે ન તો ઈસ્લામ ધર્મ મુજબ લગ્ન કરવાના છે. તેઓ સિવિલ મેરેજ કરવાના છે. બંનેના વિવાહ સ્પેશિયલ મેરેજ એક્ટ  1954 અંતર્ગત થશે. જેમાં તેઓએ રજિસ્ટ્રારને એક મહિનાની નોટિસ આપી હતી.

તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. કાર્ટર રોડ સ્થિત તેમના બાન્દ્રા સ્થિત ઘરે જ આ પ્રક્રિયા પૂર્ણ થશે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટ્રાર દંપત્તિ દ્વારા પસંદ કરવામાં આવેલા સ્થળ પર મેરેજ રજિસ્ટ્રર લઈ આવી કાયદાકીય વિધિ પૂર્ણ કરે છે.

અગાઉ રતનસીએ  અભિનેત્રીનો ધર્મ પરિવર્તન કરવા સંદર્ભે નિવેદન આપ્યું હતું કે, ‘આ વાત પાક્કી છે કે, તે પોતાના ધર્મ પરિવર્તન કરી રહી નથી. બંનેનું મિલન દિલોનું મિલન છે. જેમાં ધર્મની કોઈ ભૂમિકા નથી. હું માનવતા પર વિશ્વાસ રાખુ છું. હિન્દુ લોકો ભગવાન કહે છે, અને મુસ્લિમ અલ્લાહ. પરંતુ અંતે તો આપણે બધા માનવ છીએ. મારા આશિર્વાદ ઝાહીર અને સોનાક્ષી સાથે છે.’