લોગ વિચાર.કોમ
સોયા અને બદામ જેવા છોડ આધારિત દૂધ બાળકોમાં જરૂરી પોષક તત્વોની ઉણપનું કારણ બની શકે છે. સાયન્સ મેગેઝિન જર્નલ ઓફ હેલ્થ, પોપ્યુલેશન એન્ડ ન્યુટ્રીશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ માહિતી સામે આવી છે.
જર્મનીની હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં કરાયેલા અભ્યાસ મુજબ, જો બાળકોના આહારમાં ગાયના દૂધને બદલે સોયા-બદામના દૂધ જેવા વિકલ્પોનો સમાવેશ કરવામાં આવે તો તેમનામાં વિટામિન બી12, કેલ્શિયમ અને આયોડિન જેવા મહત્ત્વના પોષક તત્વોની ઉણપ થઈ શકે છે.
અભ્યાસમાં 1-3 વર્ષની વયના બાળકોના આહારમાં થતા ફેરફારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એવું જોવામાં આવ્યું હતું કે, જ્યારે બાળકોના આહારમાં ગાયના દૂધને છોડ આધારિત વિકલ્પો જેમ કે સોયા, બદામ અથવા ઓટ્સ સાથે બદલવામાં આવે છે, ત્યારે તેમના પોષણને અસર થાય છે.
સંશોધકોએ છ પ્રકારના છોડ આધારિત દૂધની તપાસ કરી, જેમાં સોયા, બદામ અને ઓટ્સનો સમાવેશ થાય છે. આમાંના ઘણા ઉત્પાદનોમાં કેલ્શિયમ, વિટામિન બી 12 અને આયોડિન જેવા જરૂરી પોષક તત્વોની તીવ્ર ઉણપ હતી. ખાસ કરીને બિન-ફોર્ટિફાઇડ (પોષક તત્ત્વોથી વંચિત) પીણાંમાં આ પોષક તત્વોનું પ્રમાણ ઘણું ઓછું હતું.
ગાયનું દૂધ શ્રેષ્ઠ છે
સંશોધકોનું માનવું છે કે, બાળકો માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ વિકલ્પ છે.ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન પ્રદાન કરે છે, જે બાળકોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકા અને દાંતની મજબૂતી માટે જરૂરી છે. વિટામિન B2 અને B12 ઊર્જા અને નર્વસ સિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે. તેમાં આયોડિન અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે.
ત્રણ કેટેગરીમાં અભ્યાસ કરવામાં આવે છે
સંશોધકોએ બાળકોના પોષણની સ્થિતિ પર તેની શું અસર પડે છે તે જોવા માટે ગાયના દૂધને છોડ આધારિત અલગ-અલગ દૂધ સાથે બદલ્યું. તેમાં સોયા, બદામ અને ઓટ્સમાંથી બનેલા દૂધનો સમાવેશ થાય છે. આ દૂધને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, મૂળભૂત (બિન-ફોર્ટિફાઇડ), ફોર્ટિફાઇડ (પોષક તત્વોથી સમૃદ્ધ), બાળકો માટે વિશેષ ઉત્પાદનો (આયોડિન અને આયર્ન જેવા પોષક તત્વોથી સમૃદ્ધ).
એવું જાણવા મળ્યું કે, જો બાળકોના દૂધને છોડ આધારિત દૂધ સાથે બદલવામાં આવે તો તેમના પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ઘણું ઓછું થઈ શકે છે. જો કે ફોર્ટિફાઇડ દૂધમાં પોષક તત્વોની ઉણપ ઓછી હોય છે, તેમ છતાં તેમાં આયોડિન જેવા મહત્વના પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે.