24-25મીએ આકાશમાં અદભૂત નજારો: શનિ ગ્રહનું ચંદ્રગ્રહણ જોવા મળશે

લોગ વિચાર :

હંમેશા વાદળમાં છુપાતો ચંદ્ર તા.24-25 જુલાઈએ શનિને છુપાવતો જોવા મળશે! અર્થાત શનિનું ચંદ્રગ્રહણ થશે. 18 વર્ષ બાદ ભારતમાં આ ખગોળીય દુર્લભ ઘટનાનો નજારો જોવા મળશે. ભારતમાં તા.24-25ની મધ્ય રાત્રિએ શનિ ચંદ્રની પાછળ છુપાઈ જશે અને ચંદ્રના કિનારેથી શનિના વલય નજર પડશે. દુનિયાભરના અંતરિક્ષવેતા તેના અભ્યાસની તૈયારી કરી રહ્યા છે.

24 જુલાઈની રાત્રે 1.30 વાગ્યા બાદ આકાશમાં આ દ્દશ્ય જોવા મળશે. રાત્રે 1.44 વાગ્યે ચંદ્ર શનિ ગ્રહને પોતાની પાછળ પુરી રીતે છુપાવી લેશે. 2.25 વાગ્યે શનિ ગ્રહ ચંદ્રની પાછળથી નીકળતો નજરે પડશે.

ત્રણ મહિના બાદ ફરી વાર જોવા મળશે આ દ્દશ્ય: વૈજ્ઞાનિકોના અનુસાર આ નજારો નરી આંખે જોવા મળશે. જો કે શનિના વલયો જોવા માટે નાના દુરબીનનો ઉપયોગ કરવો પડશે. મહત્વની વાત એ છે કે ત્રણ મહિના બાદ આ નજારો ફરી જોવા મળશે. વાદળોના કારણે જો જુલાઈમાં આ નજારો ન જોવા મળ્યો તો 14 ઓકટોબરની રાત્રે બીજી વાર આ દ્દશ્ય જોવા મળશે.

ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, ચીનમાં પણ જોવા મળશે: આ દ્દશ્ય ભારત ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર અને જાપાનમાં પણ જોવા મળશે. શનિના આ ચંદ્રગ્રહણની ઘટનાને ‘લ્યુનર ઓકલ્ટેશન ઓફ સેટર્ન’ નામ અપાયુ છે. પોતાની ગતિથી ચાલતા શનિ અને ચંદ્ર જયારે રસ્તો બદલે છે તો શનિ ચંદ્રની પાછળથી ઉગતો જોવા મળે છે.