ખરાબ હવામાનમાં શ્રીનગર જતું વિમાન ફસાઈ ગયું : 220 મુસાફરોનો ચમત્કારિક બચાવ

લોગ વિચાર.કોમ

પાટનગર દિલ્હીથી શ્રીનગર જઈ રહેલુ ઈન્ડીગો એરલાઈન્સનું વિમાન કુદરતી તોફાનની ઝપટે ચડી જતા 220 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. પાયલોટે જોકે સાહસપૂર્વક વિમાનનું શ્રીનગરમાં ઉતરાણ કરાવ્યુ હતું. વિમાનના આગળના ભાગને નુકશાન થયુ હતું. વિમાનમાં થોડો વખત મુસાફરોની ચીસોથી માહોલ ગમગીન બની ગયો હતો.

દિલ્હીથી ઉપડેલી આ ફલાઈટને શ્રીનગર પહોંચવામાં 20-30 મીનીટની વાર હતી. ત્યારે અચાનક તોફાનમાં સપડાયું હતું. વિમાનમાં કરા પડવા લાગ્યા હતા. પાયલોટે સ્થિતિ પારખીને એર ટ્રાફીક કન્ટ્રોલને ઈમરજન્સીની જાણ કરી હતી. વિમાન હાલકડોલક થવા લાગ્યુ હોવાથી પ્રવાસીઓને પણ સીટ બેલ્ટ બાંધી લેવાની સુચના આપવામાં આવી હતી.

વિમાનની હલચલથી પ્રવાસીઓ ભયભીત બન્યા હતા. કેટલાંક ચીસો પાડવા લાગ્યા હતા.કેટલાંકે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યુ હતું. છેવટે પાયલોટે શ્રીનગરમાં વિમાનનું સુરક્ષીત ઉતરાણ કરાવતા લોકોનાં શ્વાસ હેઠા બેઠા હતા.

કુદરતી તોફાન તથા કરા પડવાથી વિમાનનાં ‘નોઝકોન’ (આગળનો ભાગ-નાક)ને નુકશાન થયુ હતું. વિમાનનાં ઉતરાણ બાદ એરપોર્ટ ટીમે પ્રવાસીઓને ખાસ સુવિધા આપી હતી અને વિમાનને ‘ગ્રાઉન્ડેડ’ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

વિમાનમાં સવાર ઔવૈસ મકબુલ હકીમે આવુ ટવિટ કર્યુ હતું કે, પ્રવાસીઓ ગભરાયા હતા અને ચીસ પાડતા હતા. લોકોએ મોતનો અનુભવ કર્યો હતો. સુરક્ષિત ઉતરાણ બાદ સૌને હાશકારો થયો હતો.

વિમાનનું નોજ કોનતૂટી ગયું: પાયલોટની સુઝબુઝથી જ દુર્ઘટના અટકી
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વિમાન દુર્ઘટનામાંથી ચમત્કારીક રીતે બચી ગયુ હતું. નોજ કોન આગળના ભાગ-નાક તુટી ગયો હતો આ નોજ કોન પવનને કાપવામાં મદદ કરે છે. તે તૂટી જાય તો વિમાનનું સંતુલન ડગમગવા લાગે છે. ચોકકસપણે પાયલોટની સુઝબુઝથી દુર્ઘટના અટકી શકી હતી.

મોત જાણે સામે આવી ગયુ હતું!તૃણમુલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સવાર હતું
તૃણમુલ કોંગ્રેસનાં સાંસદ સાગરિકા ઘોષે કહ્યું કે, મોત સામે આવી ગયાનો અને જીંદગી જાણે ખત્મ થઈ ગયાનો અનુભવ થયો હતો. પ્રવાસીઓને પાયલોટે ઉગાર્યા હતા. વિમાનમાં સાગરીકા ઉપરાંત ડેરેક ઓબ્રાયન નદીમુલ હક, મમતા ઠાકુર તથા માનસ ભુયાન જેવા તૃણમુલ કોંગ્રેસના નેતાઓનું પ્રતિનિધિમંડળ હતું.