લોગવિચાર :
ભારતીય સિને ઈતિહાસમાં અનેકવિધ નવા રેકોર્ડ સર્જનારી અને ખુબ ગાજેલી દક્ષિણના અભિનેતા અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-ટુ’ના રીલીઝ પૂર્વેનાં પ્રિમીયર શોમાં જ નાસભાગ અને ધમાચકડી સર્જાઈ હતી.
જેમાં એક મહિલાનું મોત નીપજયુ હતું. જયારે બાળક સહીત બે લોકો ઘાયલ થયા હતા.ભારે ધકકામુકકી થતા સ્થિતિને કાબુમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો. પરીણામે નાસભાગ થઈ હતી.
દેશભરમાં આજથી પુષ્પા-ટુની રીલીઝ પુર્વે હૈદરાબાદનાં સંધ્યા થીયેટરમાં ખાસ પ્રિમીયર શો ચલાવવામાં આવ્યો હતો. ફિલ્મનો અભિનેતા અલ્લુ અર્જુન પણ હાજર રહેવાનો હોવાથી હજારોની સંખ્યામાં દર્શકો ફેન્સ ઉમટી પડયા હતા. ચિકકાર મેદનીને જાળવવાની જ થીયેટરની ક્ષમતા ન હતી. ભારે ધકકામુકકીની સ્થિતિ રોકવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો.
પરીણામે નાસભાગ મચી હતી. 39 વર્ષિય મહિલા તથા 9 વર્ષનાં બાળક સહીત કેટલાંક લોકો કચડાયા હતા. પોલીસે સીપીઆર આપીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.તાત્કાલીક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં મહિલાનું મોત નીપજયુ હતું. બેભાન બની ગયેલા બાળક સહીત બેની હાલત ગંભીર છે.
સંધ્યા થીયેટર પહોંચેલા લ્લુ અર્જુન ફેન્સનું અભિવાદન ઝીલ્યુ હતું. તે થીયેટરની અંદર ગયા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ જડબેસલાક બનાવવામાં આવી હતી. થીયેટરમાંથી બહાર નીકળતી વખતે તેની કારને ફેન્સે ઘેરી લીધી હતી.
ત્યારે પોતાની કારનાં સનરૂફમાંથી ઉભા થઈને પોતાને રવાના થવા દેવા વિનંતી કરવી પડી હતી. પોલીસના સુત્રોએ કહ્યું કે મૃતક યુવતી રેવતી પોતાના પતિ અને બે બાળકો સાથે ફીલ્મ જોવા આવી હતી તેનાં ઈજાગ્રસ્ત બાળકની હાલત નાજુક ગણાવાય છે.