'સ્ત્રી - 2' એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડયો : ઓપનિંગ કલેક્શન રૂ. 54.35 કરોડ

લોગ વિચાર :

રાજકુમાર રાવ અને શ્રદ્ધાકપુર અભિનિત ફિલ્મ ‘સ્ત્રી-2’ એ બોકસ ઓફિસ પર રેકોર્ડ તોડયો છે. ફિલ્મ વર્ષ 2024માં પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી (રૂા.54.35 કરોડ) કરનારી ફિલ્મ બની છે, ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે અને તે 15 ઓગષ્ટે રજૂ થઈ હતી.

આ સિકવલ ફિલ્મે ઘણી આશા જગાવી હતી. ‘સ્ત્રી-2’ એ વર્ષ 2024માં સૌથી વધુ ઓપનીંગ કલેકશન મેળવનારી ફિલ્મ બની છે. વર્ષ 2018માં રજૂ થઈ હતી. ‘સ્ત્રી-1’ જે ટિકીટબારી પર સફળ રહી હતી, આ પરંપરાને ‘સ્ત્રી-2’ એ જાળવી રાખી છે.

બુધવારે સ્પેશિયલ સ્ક્રીનીંગમાં ફિલ્મે 8 કરોડની કમાણી કરી હતી. જયારે 14 ઓગષ્ટે 46 કરોડની કમાણી કરી હતી. ‘સ્ત્રી-2’એ તેની અગાઉ રજૂ થયેલી બ્લોક બસ્ટર ફિલ્મ કલ્કિ 2898 એડી’ અને ‘ફાઈટર’ને પાછળ રાખી નવો રેકોર્ડ તોડયો છે.

જો કે ‘કલ્કિ’એ 95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી પણ તે ભારતમાં ચાર ભાષામાં રિલીઝ થઈ હતી. ‘ફાઈટર’એ પ્રથમ દિવસે રૂા.24.60 કરોડનુ કલેકશન મેળવ્યું હતું. ‘સ્ત્રી-2’ એ અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘ખેલ ખેલ મે’ અને જોન અબ્રાહમની ‘વેદા’ ફિલ્મ સામે હરીફાઈમાં સારો દેખાવ કર્યો છે.