લોગ વિચાર :
સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં બે અલગ-અલગ વિસ્તારમાં રહેતા બે બાળકો રમતા-રમતા સિક્કો ગળી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા વાલીઓ પોતાના બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા ચંદનસિહ ઝરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓનો 4 વર્ષીય પુત્ર ઘરે રમતો હતો ત્યારે રમતાં-રમતાં તે 2 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. આ સિક્કો તેની અન્નનળીમાં જતો રહ્યો હતો. બીજી તરફ તેને તકલિફ થતા અને માતા-પિતાને જાણ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં બાળકને તબીબોએ દૂરબીન વડે ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢ્યો હતો હાલ બાળક સારવાર હેઠળ છે.
બીજા બનાવમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પંકજભાઈ શર્માનો 6 વર્ષીય પુત્ર ઘરે મોબાઈલ જોઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે રમતાં-રમતાં 5 રૂપિયાનો સિક્કો મોઢામાં મૂકી દીધો હતો. જે સિક્કો બાળક ગળી હતો અને તે સિક્કો અન્નનળીમાં ફસાઈ ગયો હતો. બીજી તરફ તેના પરિવારજનો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં હાલ બાળક તબીબોની દેખરેખ હેઠળ છે.