લોગ વિચાર.કોમ
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે સુરત શહેરમાં કાયદાનો ભંગ સામાન્ય વાત બની ગઈ છે. પોલીસ લોકો સામે કાર્યવાહી કરતી હોવા છતાં પણ આવા કિસ્સા અવારનવાર સામે આવે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હેવમોર મોબાઇલની દુકાનના સંચાલક દ્વારા મોબાઈલનું બ્રાન્ડિંગ કરવા માટે અવારનવાર નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે તો આ મોબાઇલની દુકાન ધરાવનાર વ્યક્તિ દ્વારા હદ વટાવવામાં આવી છે અને પોતાના દુકાનનું તેમજ મોબાઈલનું બ્રાન્ડિંગ કરાવવા માટે ગજરાજનો ઉપયોગ કર્યો છે. વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે દુકાનદારને નોટિસ પાઠવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડમાં આવેલ હેવમોર મોબાઇલના સંચાલક દ્વારા અગાઉ રસ્તા પર ચાલુ જીપમાં ગિફ્ટ બાટીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોતાની દુકાનનું બ્રાન્ડિંગ કરવા માટે કારના બોનેટ પર બેસીને સ્ટંટ કરતા વિડીયો પણ આ દુકાનદાર દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા.
આ વિડીયો વાયરલ થયા બાદ સુરતની વરાછા પોલીસ દ્વારા દુકાનદાર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો સામાન્ય વ્યક્તિ સોશિયલ મીડિયામાં મૂકે તો તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને ત્યારબાદ જે તે વ્યક્તિનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરાવી તેનો માફી માગતો વિડીયો પોલીસ દ્વારા જ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. ત્યારે હેવમોર મોબાઇલની દુકાનના સંચાલક સામે વરાછા પોલીસે શા માટે કાર્યવાહી ન કરી તે પણ એક સવાલ છે?
જે તે સમયે નિયમોનો ભંગનો વિડીયો વાયરલ થયો હોત અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તો ફરી આ દુકાનદાર દ્વારા નિયમોનો ભંગ કરવાનો આવ્યો ન હોત. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા દુકાનદારે પોતાના મોબાઈલની દુકાનના બ્રાન્ડિંગ માટે અને મોબાઈલના ટેસ્ટિંગ માટે વન્ય જીવ કહેવાતા હાથીનો ઉપયોગ કર્યો. હેવમોર દુકાનના સંચાલક દ્વારા એક મોબાઇલને હાથીના પગ નીચે મૂકી મોબાઇલની વેઇટ કેપેસિટી કેટલી છે તે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ દુકાનદાર ભૂલી ગયો હતો કે, કોઈ પણ પ્રકારના વન્ય જીવનો ઉપયોગ કોઈ પણ પ્રોડક્ટના બ્રાન્ડિંગ માટે કરી ન શકાય. બીજી તરફ જો મોબાઇલની બેટરી હાથીના વજનથી ફાટી હોત અને હાથીને ઈજા થઈ હોત તો તેને જવાબદારી કોના પર હોત.
મોબાઈલની દુકાનદાર દ્વારા એડવર્ટાઇઝ માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. વન વિભાગ દ્વારા હેવમોર મોબાઇલના સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે. વન વિભાગની નોટિસ મળી હોવા છતાં પણ હેવમોર મોબાઇલની દુકાન ધરાવનાર સંચાલક જાણે તેને કાયદાની કે પડી જ ન હોય તે રીતે વન વિભાગની નોટિસનો જવાબ પણ નથી આપી રહ્યો. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે નિયમોનો ભંગ કરનાર આ દુકાનદાર સામે પોલીસ અને વન વિભાગ શું કાર્યવાહી કરે છે.