સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો “સીટેક્ષ 2024”નું આયોજન

લોગ વિચાર :

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૦, ર૧ અને રર જુલાઇ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે.

SGCCIના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૦મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. સીટેક્ષ એ ખરેખર વિકસિત ભારત @ર૦૪૭ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે. વધુમાં, ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે.

ભારતના કેન્દ્રિય રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ મંત્રી પબિત્રા માર્ઘેરીટાના હસ્તે ‘સીટેક્ષ’નું ઉદ્‌ઘાટન કરાશે, ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના અધિક ટેક્ષ્ટાઇલ કમિશ્નર એસ.પી. વર્મા ઉપસ્થિત રહેશે.