રાજકોટમાં આગની દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકા સફાળી જાગી: ફાયર સેફ્ટી વિના ચાલતી મિલકતોને સીલ

લોગ વિચાર :

રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં જીવતા ર8થી વધુ લોકોના જીવત ભડથુ થવાના બનાવે સમગ્ર રાજયમાં ખળભળાટ  જગાડયો છે ત્યારે રાજયમાં અનેક સ્થળોએ ફાયર એનઓસી મામલે કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળુ જાગ્યુ છે અને ફાયર સેફટીના નિયમોનો ભંગ કરતી અનેક સંસ્થાઓ સામે કાર્યવાહી  હાથ ધરી છે. મનપાએ ટેકસટાઇલ માર્કેટ, હોટેલ અને હોસ્પિટલ સહિતના અનેક સંસ્થાઓમાં સીલીંગની કામગીરી  હાથ ધરી છે.

રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટના બાદ સુરત સહિત રાજ્યની તમામ મહાનગર પાલિકાને કોર્ટે કરેલી તાકીદ બાદ મહાનગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. સુરત મહાનગર પાલિકાએ કોર્ટના આદેશ બાદ એક જ દિવસમાં દસ મોટા ગેમ ઝોન અને સાત ચિલ્ડ્રન પ્લે ઝોન સીલ કર્યા છે. આ ઉપરાંત પાંચ ગેમ ઝોન તો એવા છે જે પાલિકાની બી.યુ પરમિશન વિના લાંબા સમયથી ધમધમતા હતા.પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ તેની સામે સીલીંગની કામગીરી હાથ ધરી છે.

ફાયર સેફ્ટી વિના ધમધમતી સંસ્થાઓ સામે કાર્યવાહી
કોર્ટમાં ત્રીજી જુન સુધીમાં રિપોર્ટ જમા કરાવવા માટે મહાનગર પાલિકાએ ફાયર સેફ્ટી અને વિવિધ ખામીઓ સાથે ચાલતી સંસ્થાઓ સામે કામગીરી હાથ ધરી છે. જેના ભાગરુપે સોમવારે મોડી રાત્રીથી મંગળવારે સવાર સુધીમાં સ્ટેશન વિસ્તારના દિલ્હી ગેટ તથા આસપાસના વિસ્તારમાં ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી હતી. મહાનગર પાલિકાએ ગેમ ઝોન સિવાયની મિલકતની તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે દિલ્હી ગેટ નજીક આવેલા હોટલ ડાયમંડ પ્લાઝા, સલાબતપુરા વિસ્તારમાં એશિયન ટેક્સટાઈલ માર્કેટ, ઋતુરાજ માર્કેટ, સરદાર માર્કેટ, ટેસ્ટ ઓફ ભગવતી સહિતની સંસ્થાઓ સાથે સાથે કેટલીક હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી હજી પણ ચાલી રહી છે. આ તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની અનેક ખામીઓ જણાઈ આવી હોવાનું કહેવાય છે.

ટેક્સટાઇલ માર્કેટ, હોટલ અને હોસ્પીટલ સીલ 
સુરત ફાયર અને ઈમરજન્સી સર્વીસ દ્વારા સુરત મહાનગર પાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલી માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ ઈમારત વિગેરેમાં ફાયર સેફ્ટીની અનેક ખામીઓના કારણે સીલ કરવામાં આવી છે. લિંબાયત ઝોનમાં ઋતુરાજ માર્કેટ, મિલેનિયમ માર્કેટની સામે કુલ 20 દુકાન, સાકાર માર્કેટ, જે.જે માર્કેટની બાજુમાં કુલ 8 સાડીના ગોડાઉન તથા ટેસ્ટ ઓફ ભગવતી હોટલને સીલ કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોનમાં એશિયન ટેક્સટાઇલ માર્કેટ ઇ+ૠ+4 ફ્લોર, સલાબતપુરા, દાંડિયાવાડ અને દિલ્લી ગેટ પાસે આવેલી હોટલ ડાયમંડ પ્લાઝાને સીલ કરવામાં આવી છે.