સૂર્યકુમાર-હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગ : અફઘાનિસ્તાનને 182 રનનો ટાર્ગેટ

લોગ વિચાર :

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

સૂર્યકુમાર યાદવના 28 બોલમાં 53 રન અને હાર્દિક પંડ્યાના 24 બોલમાં 32 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 08 રન, વિરાટ કોહલીએ 24 રન અને રિષભ પંતે 20 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબે સાત બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી.

આ પછી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ચાર્જ સંભાળ્યો હતો. બંને વચ્ચે 37 બોલમાં 60 રનની ભાગીદારી થઈ હતી. સૂર્યાએ 27 બોલમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. તે 28 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યાએ 3 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 189.28 હતો.

જ્યારે પંડ્યાએ 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. આ ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. બીજી તરફ અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાન અને ફઝલહક ફારૂકીએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે નવીન ઉલ હકને 1 સફળતા મળી હતી.

ભારતીય ટીમની મેચમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. ટીમે 11 રનમાં રોહિત શર્મા (8)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી ઋષભ પંત (20) અને વિરાટ કોહલી (24) એ ટીમને થોડી કંટ્રોલ કરી લીધી. પરંતુ 90 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ફરી એકવાર ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી.