લોગવિચાર :
ઝારખંડમાં જૈનોનું પરમ પવિત્ર તીર્થ શ્રી સમેત શિખરજી તીર્થ આવેલું છે જયાં વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકર ભગવંતો નિર્વાણ પામ્યા છે. ઝારખંડમાં આવેલ આ તીર્થને બચાવવા મુંબઈના દર્શનાબેન શાહ (ઉ.74)એ ત્રીસ વર્ષથી તપશ્ચર્યા કરી રહ્યા છે.
જૈનોના આ પરમ પવિત્ર તીર્થ સ્થળ સમેત શિખરજીને બચાવવા, ટેકરીઓ પરના તેમના માલિકીના હકકોનું રક્ષણ કરવા તથા ટેકરીઓને પ્રવાસન સ્થળ બનતા અટકાવવા તથા તેની ધાર્મિક પવિત્રતા જાળવવા દર્શનાબેન છેલ્લા ત્રણ દાયકાથી અઠ્ઠમ તપની આરાધના કરી રહ્યા છે. ત્રણ દિવસ ઉપવાસ અને ચોથા દિવસે પારણું કરે છે.
તેમણે તાજેતરમાં સુપ્રિમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં ગેરકાયદેસર મીનીંગ પ્રવૃતિઓનો આક્ષેપ કરીને ટેકરીઓની પવિત્રતાના રક્ષણ માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે 11 હજારથી વધુ યાત્રા કરી છે. 8235 દિવસ ઉપવાસ કર્યા છે અને 2745 દિવસે એક જ ભોજ લીધું છે.
1967માં શરૂ થયેલા શિખરજીના કેસમાં સુપ્રિમ કોર્ટ તરફેણમાં ચુકાદો જાહેર ન કરે ત્યાં સુધી દર્શનાબેન શાહની તપશ્ચર્યા ચાલુ રહેશે. આગામી તા.4થી સપ્ટેમ્બરના તેની સુનાવણી થનાર છે.
દર્શનાબહેને એક મુલાકાતમાં જણાવ્યું છે કે, પારસનાથ હિલ્સમાં સમેત શિખરજીના ધર્મનિષ્ઠાને નિષ્ફળ બનાવવાના પ્રયાસો વિશે 78માં આધ્યાત્મિક મુનિશ્રી માહજીત વિજયજી મહારાજનો ઉપદેશ 40 વર્ષની વયે સાંભળ્યો અને ત્યારથી તીર્થને બચાવવા અઠ્ઠમ તપની આરાધના શરૂ કરી જેને આજે ત્રીસ વર્ષ થયા છે.
દર્શનાબેનની ત્રીસ વર્ષની લાંબી મુસાફરીમાં તેમના પતિએ પૂર્ણ સહયોગ આપ્યો, ગયા મહિને તેમના પતિનું નિધન થયું હતું. 2005થી મુખ્ય મુકદમાના પક્ષકાર દર્શનાબેન શાહે તાજેતરમાં ઝારખંડ સરકાર સામે જીલ્લામાં પારસનાથ મહાડીઓ પર ઈકો-ટુરિઝમ પ્રોજેકટને રોકવાની માંગ કરી, તે જૈન પરંપરા દ્વારા અપવિત્ર ગણાતી પ્રવૃતિઓને રોકવાનો પ્રયત્ન કરે છે. જૈનાચાર્ય પૂ.શ્રી યુગભૂષણસૂરિજી મહારાજ પણ આ અભિયાનમાં સાથ આપી રહ્યા છે.
પારસનાથ ટેકરીઓ માટેની લડાઈ
*1833માં ટેકરીઓ પર તંબુઓ નાંખવાના મુદ્દે જૈનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
*1860માં લશ્કરી સેનેટેરિયમના પ્રસ્તાવનો વિરોધ
*1880-90 હાઈકોર્ટે પિગરીનું નિર્માણ અટકાવ્યું
*1907-1950માં જૈનોએ તમામ હકકો ખરીદ્યા ટેકરીઓ હસ્તગત કરી
*1953માં બિહારે કૃષિ સુધારણા માટે પારસનાથ ટેકરીઓની 16,000 એકર જમીન હસ્તગત કરી.
*2014માં ઝારખંડ સરકારે રોપવે અને પ્રવાસી વિકાસ યોજના જાહેર કરી
*2015માં તત્કાલીન મુખ્યમંત્રીએ આધ્યાત્મિક પવિત્રતા જાળવવાની ખાત્રી આપી
*2016-18 હેલીપેડ બનાવવામાં આવ્યું છે. રાજય તળેટીમાં વૈભવી રોકાણની યોજના ધરાવે છે.
*2018માં શિખરજી બચાવો, રાષ્ટ્રવ્યાપી ચળવળ પહાડીઓ માટે શરૂ કરી. જૈનો માટે પૂજા સ્થળ જાહેર કરવામાં આવે.
*2021માં અન્ય પ્રવાસન વિકાસ યોજનાઓની જાહેરાત કરી જેના કારણે ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા.