T20 વર્લ્ડ કપ: આજે અફઘાનિસ્તાન સાથે ભારતનો મુકાબલો: વરસાદ વિક્ષેપિત થવાની શક્યતા

લોગ વિચાર :

ટી20 વર્લ્ડકપના સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો પ્રથમ મુકાબલો અફઘાનીસ્તાન સામે થશે. મેચમાં વરસાદી વિઘ્ન સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટી20 વર્લ્ડકપ જીતવા માટે મજબૂત દાવેદાર ગણાતી ભારતીય ટીમ આજના અફઘાનીસ્તાન સામેના મેચમાં ફેવરીટ ગણાય છે.

જો કે અફઘાનીસ્તાનનો સ્પીન બોલીંગ એટેક ભારતીય ખેલાડીઓ માટે પડકારરૂપ બની શકે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં આઠ ટી20 મેચ રમાયા છે જેમાંથી સાતમાં ભારતે વિજય હાંસલ કર્યો હતો અને એક મેચનું પરિણામ આવ્યુ ન હતું.

અફઘાનીસ્તાન અત્યાર સુધીમાં ભારત સામે એક પણ ટી20 મેચ જીતી શકયુ નથી. ટી20 વર્લ્ડકપમાં પણ બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાયા છે જે ત્રણેયમાં ભારતે જીત હાંસલ કરી હતી.

વર્તમાન ટી20 વર્લ્ડકપમાં સારો દેખાવ કર્યા બાદ અંતિમ લીગ મેચમાં વેસ્ટઈન્ડીઝ સામે અફઘાનીસ્તાનનો કારમો પરાજય થયો હતો એટલે ટીમ દબાણમાં રહેવાનું નકકી છે. જયારે ભારત આત્મવિશ્વાસથી છલોછલ છે.

દરમ્યાન આજે મેચમાં વરસાદનું વિધ્ન આવવાની શંકા હવામાન વિભાગે દર્શાવી છે. આકાશમાં વાદળો છવાવા સાથે વરસાદ પડવાની સંભાવના 14 ટકા હોવાનું હવામાન ખાતાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.