લોગવિચાર :
મુંબઈમાં જન્મેલા વિશ્વવિખ્યાત તબલાવાદક તેમ જ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજવામાં આવેલા ૭૩ વર્ષના ઝાકિર હુસૈને ગઈ કાલે દુનિયાને અલવિદા કહી દીધું હતું. હૃદયની બીમારીથી પીડાતા ઝાકિર હુસૈન અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોની હૉસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ હતા. ૧૯૫૧ની ૯ માર્ચે મુંબઈમાં જન્મેલા ઝાકિર હુસૈનનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની માહિમમાં આવેલી સેન્ટ માઇકલ સ્કૂલમાં થયું હતું અને મુંબઈની જ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી તેમણે ગ્રૅજ્યુએશન કર્યું હતું. પિતા ઉસ્તાદ અલ્લારખ્ખા કુરેશી વિખ્યાત તબલાવાદક હતા એટલે બાળપણથી જ ઉસ્તાદ ઝાકિર હુસૈનને તબલાં વગાડવાનો ગજબનો શોખ હતો. ૧૧ વર્ષની ઉંમરે તેમણે અમેરિકામાં પહેલી વખત તબલાવાદનની કૉન્સર્ટ કરી હતી.
વિશ્વભરમાં જાણીતા તબલા વાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. ૭૩ વર્ષીય આ મહાન કલાકારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા છે. ઝાકિર હુસૈન છેલ્લા કેટલાક સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યાં હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરી છે.
ઝાકિર હુસૈનના નિધનના સમાચારે તેમના પ્રશંસકો અને સંગીત જગતમાં શોકમાં ડૂબાડી દીધા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. વિશ્વભરના સંગીત પ્રેમી અને કલાકાર તેમના નિધનથી દુખી છે.
ઉસ્તાદ ઝાકિર હુસૈન તબલા વગાડવાની દુનિયામાં તેમના અભૂતપૂર્વ યોગદાન અને અનન્ય કુશળતા માટે જાણીતા હતા. ૧૯૫૧માં તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખાને ત્યાં જન્મેલા ઝાકિર હુસૈને બાળપણથી જ તેમની સંગીત પ્રતિભા દર્શાવવાનું શરૂ કર્યું હતું. માત્ર ૭ વર્ષની ઉંમરે તેમણે સ્ટેજ પર પરફોર્મ કરીને તબલાને એક નવી ઓળખ આપી.
ઝાકિર હુસૈને ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક મંચ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદ અલી ખાન, જ્યોર્જ હેરિસન, જ્હોન મેકલોફલિન અને ગ્રેટફુલ ડેડના મિકી હાર્ટ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. ૧૯૭૦ માં, તેમણે, જ્હોન મેકલોફલિન સાથે મળીને, ‘શક્તિ' નામના ફયુઝન જૂથની સ્થાપના કરી, જેણે ભારતીય શાસ્ત્રીય સંગીત અને જાઝને જોડીને એક નવી શૈલી રજૂ કરી.
ઝાકિર હુસૈન ન માત્ર મંચ પર પરંતુ ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય સંગીત પ્રોજેક્ટ્સમાં પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. તેમણે ‘હીટ એન્ડ ડસ્ટ' અને ‘ઈન કસ્ટડી' જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. તેમની સર્જનાત્મકતા અને સંગીતની ઊંડાઈએ તેમને ભારતીય સંગીતના મહાન વૈશ્વિક પ્રતિનિધિઓમાંના એક બનાવ્યા છે.ઝાકિર હુસૈનને તેમના યોગદાન માટે ઘણા મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ પદ્મ શ્રી અને ગ્રેમી એવોર્ડનો સમાવેશ થાય છે. તેમની સંગીત યાત્રાએ ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈઓ પર લઈ જઈને તેને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું
ઝાકિરનો જન્મ ૯ માર્ચ ૧૯૫૧ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લારખા કુરેશી હતું અને તેઓ તબલા વાદક પણ હતા. તેમની માતાનું નામ બાવી બેગમ હતું. તેણે માત્ર ૧૧ વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. આ પછી, તેણે ૧૯૭૩ માં તેનું પહેલું આલ્બમ લોન્ચ કર્યું. ભારત સરકારે તેમને ૧૯૮૮માં પદ્મશ્રી, ૨૦૦૨માં પદ્મ ભૂષણ અને ૨૦૨૩માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ ગ્રેમી એવોર્ડ પણ જીત્યા હતા.
અંગત જીવનની વાત કરીએ તો, ઝાકિર હુસૈને કથક નળત્યાંગના અને શિક્ષક અને તેની મેનેજર એન્ટોનિયા મિનેકોલા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે. એક દીકરી અનીસા કુરેશીએ ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો છે જ્યારે બીજી દીકરી ઈસાબેલા વિદેશમાં ડાન્સનો અભ્યાસ કરી રહી છે.