લોગવિચાર :
નવરાત્રિના તહેવારને આડે હવે એક દિવસ બાકી છે. નોરતાં દરમ્યિાન ખેલૈયાઓ પારંપરિક વસ્રો, મેકઅપ, સાજશણગારની તૈયારી અંતિમ તબક્કામાં છે. નોરતાં દરમિયાન અનેક ખેલૈયાઓ ટેટૂ પણ કરાવતા હોય છે. અલબત્ત, અસુરક્ષિત રીતે ટેટુ કરાવવાથી હિપેટાઇટિસ ‘બી', એચઆઇવી સ્ક્રીન ઇન્ફેકશન થવાનું જોખમ રહે છે.
આજના સમયમાં મોટાભાગના યુવાનોમાં ટેટૂનો ક્રેઝ જોવા મળે છે. ફેશન સ્ટેટમેન્ટ સાથે, સોશ્યલ મીડિયામાં તેમજ એકબીજાની દેખા-દેખીમાં ટેટુ બનાવવાનું પ્રમાણ વધી રહ્યુ છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે, તમે શોખમાં બનાવેલા ટેટુ કયારેક તમારા માટે આફત પણ બની શકે છે? નિષ્ણાત ડોકટરોના કહેવા પ્રમાણે ટેટુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સ્યાહી અને સોયથી હેપેટાઇટિસ બી અને સી, એચઆઇવી ઉપરાંત કેન્સરનો ખતરો પણ પેદા થઇ શકે છે. ડોકટરોના મતે ટેટુ ત્રોફાવવા વિવિધ લોકો માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ ‘બી' અને ‘સી'નો ચેપ લાગી શકે છે. ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઇટિસ ‘બી'ના પ્રસારનો દર અંદાજે ૩.૩૦ ટકા છે. આ સાથે ડોકટરોએ ઉમેર્યું કે હિપેટાઇટિસના પ્રસારને અટકાવવા માટે સુરક્ષિત રીતે ટેટુ મુકવવા અને કડક સ્ટરિલાઇઝેશન પ્રોટોકોલ્સ ખૂબ જરૂરી છે.
આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડો. રીમા જોશીએ જણાવ્યુ કે ‘ટેટુ કયાં કરાવી રહ્યા છો તે ખૂબ જ મહત્વનું છે. ટેટુ આર્ટિસ્ટ કયા પ્રકારની સ્યાહી અને કયા પ્રકારની નીડલનો ઉપયોગ કરે છે તે ખાસ ચકાસી લેવું જોઇએ. ટેટુની કેટલીક સ્યાહીમાં કેટલાક ખતરનામ કેમિકલ હોય છે, જે કેટલીક ગંભીર બીમારી માટે જવાબદાર બની શકે છે.હલકી ગુણવતાની સ્યાહી અને બીજા ઉપર અગાઉ ઉપયોગ થઇ ચુક્યો હોય તેવી નીડલ દ્વારા ટેટુ કરાવવાથી ભવિષ્યમાં હિપેટાઇટિસ, એચઆઇવી, ટીબી પણ થવાનું જોખમ રહે છે. '
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં ટેટુ કાઢવા માટે ખાસ મશીન વસાવાયું છે. અત્યાર સુધી અંદાજે ૧૨ હજારથી વધુ લોકોના ટેટુ આ મશીનથી કાઢવામાં આવેલા છે. (૨૨.૬)
મશીનથી બનાવેલા ટેટૂમાંથી મલ્ટિ કલર કાઢવા મુશ્કેલ
હાલમાં મોટાભાગના ટેટૂ મશીનથી કરવામાં આવે છે અને તેમાં મલ્ટિ કલરનો ઉપયોગ થાય છે. રેડ, ગ્રીન, બ્લ્યુ, યલો કલરનો ઉપયોગ કરવામાં આવે તેવા ટેટૂ કાઢવા મુશ્કેલ બને છે. આ ટેટૂ કાઢયા બાદ સ્ક્રીન ઇન્ફેકશન થવાનું જોખમ રહે છે.
ટેટુ કાઢવાનું કારણ પ્રેમ પ્રકરણમાં ભંગાણ
યુવાનીના ઉંબરે પ્રવેશતાં જ કે કિશોરાવસ્થામાં પ્રેમ થઇ ગયા બાદ અનેક લોકો પ્રેમી-પ્રેમીકાના નામનું ટેટુ બનાવડાવે છે. પરંતુ અમુક સમય બાદ આ સંબંધ તુટી જાય ત્યારે લગ્નજીવનમાં સમસ્યા નડે નહીં માટે અનેક લોકો ટેટૂ કઢાવવા માટે આવતા હોય છે. આ ઉપરાંત કેટલીક જોબમાં પણ ટેટુને માન્યતા મળતી નથી. તેઓ પણ ટેટુ કઢાવવા માટે આવતા હોય છે.