ભાડાની આવક પર કરચોરી હવે મુશ્કેલ બનશે : સરકારે લગામ કસી

લોગ વિચાર :

હવે ઘર ભાડાની આવક પર કરચોરી મુશ્કેલ બનશે. ભાડાથી થનારી આવક પર કરચોરી રોકવા માટે બજેટમાં નિયમ બદલવામાં આવ્યા છે. જે અંતર્ગત મકાન માલીક ભાડાથી થયેલી આવકને વ્યવસાયથી થયેલી આવક તરીકે નહિં દેખાડી શકે. તેને હવે ગૃહ સંપતીથી થયેલી આવક રેન્ટલ ઈન્કમ તરીકે જ દેખાડવી પડશે.

આ વ્યવસ્થાને લાગુ કરવા માટે આવકવેરા અધિનિયમમાં ફેરફાર કરવામાં આવશે.નવો નિયમ 1 એપ્રિલ 2025 થી લાગુ થશે. હાલમાં કેટલાંક કરદાતા, પોતાની ભાડાની આવકને ખોટી આવક શ્રેણીમાં દેખાડી દે છે અને એથી તેનો ઘણો કર બચી જાય છે.

હાલનાં આવક વેરા કાયદા મુજબ એક કરદાતાએ એક નાણાકીય વર્ષમાં જેટલી કુલ કમાણી કરી છે તેને પાંચ શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે.આ શ્રેણીઓમાં વેતનથી થયેલી આવક આવાસ-સંપતીથી થયેલી આવક, વ્યવસાય કે ધંધાથી થયેલી આવક કે લાભ, મુડી ગત લાભથી થયેલી આવક અને અન્ય સ્ત્રોતોથી થયેલી આવક સામેલ છે.

આવી રીતે બચાવતાં હતા કર:
અત્યાર સુધી મકાન માલીક પાસે ભાડાથી થયેલી આવકને વ્યવસાય કે ધંધાથી થયેલી આવક કે લાભ શ્રેણીમાં દેખાડવાનો વિકલ્પ હતો. એનો મતલબ એ થાય કે જે નફો કમાવવામાં આવે છે તે કર યોગ્ય હોય છે.

જે રકમ પર કરની ગણના કરવામાં આવે તેને નિર્ધારીત કરવા માટે કરદાતા કુલ આવકથી પોતાના ખર્ચને ઘટાડી શકે છે.જે અંતર્ગત મકાન માલીક દેખાડી શકતો હતો કે તેને ખોટ થઈ છે એટલે કે જેટલુ ભાડુ આવતુ હતું તેથી વધુ ખર્ચ થઈ જાય છે આથી પુરો કર બચી જતો હતો.